બ્રિસ્બેન, તા.૨૦
ટીમ ઇન્ડિયાએ બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવી ચાર મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી. ગાબા ગ્રાઉન્ડ પર ભારતની આ પ્રથમ જીત છે અને ૩૨ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની આ પહેલી હાર છે. આ સાથે, શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાને નબળી કહેનાર ઓસ્ટ્રેલિયન મીડિયાએ પણ યુ-ટર્ન લઈ તેની પ્રશંસા કરી.
વર્લ્ડ મીડિયાએ પણ ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી હતી. ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં ભીડની ગાળો સહન કરીને પણ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયન્સનું અભિમાન તોડ્યું છે.
૧. ઓસ્ટ્રેલિયન મીડિયા
ધ ઓસ્ટ્રેલિયને લખ્યું કે, “ટીમ ઈન્ડિયાના જાદુઈ તોફાનથી ગાબાના ગઢનો નાશ થયો. સ્ટાર ખેલાડીઓ વિના, સંઘર્ષશીલ અને ઇજાગ્રસ્ત ટીમે ફુલ સ્ટ્રેન્થ ઓસ્ટ્રેલિયાને હરાવી હતી.” હકીકતમાં, ઓસ્ટ્રેલિયન ટીમ છેલ્લે નવેમ્બર ૧૯૮૮માં ગાબા મેદાન પર હારી હતી. ત્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમે નવ વિકેટથી માત આપી હતી.”
સિડની મોર્નિંગ હેરાલ્ડે ભારતીય સ્પિનર ??રવિચંદ્રન અશ્વિન પર વિવાદિત ટિપ્પણીઓ કરવા માટે ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેનની ટીકા કરી હતી. તેમણે લખ્યું કે, ’સિડની ટેસ્ટમાં પેનની સ્લેજિંગ બાદ મંગળવારે ઋષભ પંતે બેન સ્ટોકસ જેવો શાનદાર જવાબ આપ્યો. ભારત ત્રણ વિકેટે મેચ જીત્યું.’
૨. અમેરિકન મીડિયા
મુશ્કેલીઓ છતાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવ્યું.ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું, “ભારતના ઘણા ખેલાડીઓ સીરિઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયા. ટીમે વંશીય ટિપ્પણીનો સામનો પણ કર્યો. તેમ છતાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવી તેનું અભિમાન તોડ્યું છે. ભારતીય ક્રિકેટ ઇતિહાસની આ સૌથી મોટી જીત છે.”
ફોક્સસ્પોર્ટ વેબસાઇટ પર લખ્યું છે, “જો તમે આઘાતમાં હો તો ગભરાશો નહીં કારણ કે તમે એકલા નથી … પરંતુ ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર શ્રેણી જીતી લીધી છે. તે ભારતના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી અદભૂત જીત છે. શ્રેણીમાં (એડિલેડમાં) શરમજનક પરાજય બાદ ટીમ ઈન્ડિયા પરત ફરતી વખતે જે ક્ષમતા બતાવી છે તેની ઉજવણી કરી રહી છે. આ હાર હંમેશા અમારી યાદોમાં રહેશે.”
૩. બ્રિટિશ મીડિયા
ડેઇલી ટેલિગ્રાફે ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કેચ બનાવ્યો અને શીર્ષકમાં લખ્યું, “કોઈ બહાનું નથી, કોઈ જવાબ નથી.” ઓસ્ટ્રેલિયાનું ખરાબ પ્રદર્શન. ઓસ્ટ્રેલિયા માટે સત્ય એ છે કે તેમના માટે ઐતિહાસિક ટેસ્ટ શ્રેણીનો અંત આવ્યો છે. તે તેની શ્રેષ્ઠ ટીમ સાથે બેસ્ટ પંચ મારવા માટે ઉતરી હતી, પરંતુ નેટ બોલરો સાથે મેદાનમાં સંઘર્ષ કરી રહેલી ટીમ ઈન્ડિયાએ તેને પરાજિત કરી.