(એજન્સી) તા.૧૩
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલાક્રિષ્નને શુક્રવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો વિવાદાસ્પદ એસસી/એસટી ચુકાદો “મૂળભૂત રીતે ખોટો” છે. કારણ કે આ ચુકાદો દોષિતને કાયદામાંથી છટકી જવા માટે સક્ષમ બનાવે છે. પ્રથમ દલિત મુખ્ય ન્યાયાધીશ બાલાક્રિષ્નને આમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે હિંસા ફાટી નીકળી. તેમણે કહ્યું હતું કે “સંભવત રીતે આ પ્રથમ વખત છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હોય. સામાન્ય રીતે જ્યારે હિંસા ચાલુ હોય છે ત્યારે સુપ્રીમ કોર્ટ મધ્યસ્થી કરે છે, અને લોકો તેના ચુકાદાને સ્વીકારે છે.
સુપ્રીમ કોર્ટે તેના તારણોમાં નોંધ્યું હતું કે, એસસી/એસટી કાયદામાં ધરપકડની જોગવાઈનો દુરૂપયોગ થાય છે તે વિશે બોલતા જસ્ટિસ બાલાક્રિષ્નને કહ્યું હતું કે કોડ ઓફ પ્રોસિડ્યુટર (સીઆરપીસી)માં પહેલાંથી જ કોઈપણ વ્યક્તિને ધરપકડ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે એસસી/એસટી કાયદામાં આરોપીની ધરપકડ કરતાં પહેલાં તેની નિમણૂક કરનાર સત્તાધિકારીની મંજૂરી લેવાનો જે સુધારો કર્યો છે તે વિશે બાલાક્રિષ્નને કહ્યું કે, નિમણૂક કરનાર સત્તાધિકારીને કેસથી શું લેવા-દેવા ? તે શા માટે ચિંતા કરશે ? સત્તાધિકારીની મંજૂરી ક્યારેય નહીં આવે, અને તે કાયદામાંથી સરળ રીતે છટકી જશે. આમ આ નિર્ણય આરોપીને કાયદામાંથી છટકવા માટે સક્ષમ બનાવે છે આથી આ ચુકાદો મૂળભૂત રીતે ખોટો છે.