(એજન્સી) તા.૨૭
૨૦૧૬માં દેશના સર્વોચ્ચ રમત ગમત પુરસ્કાર ખેલરત્ન વિજેતા સાક્ષી મલિકે આ વર્ષે અર્જુન એવોર્ડ વિજેતાઓની યાદીમાંથી પોતાનું નામ બાકાત રાખવાના રમતગમત મંત્રાલયના નિર્ણયની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આ બાબત વિચિત્ર છે પરંતુ આશ્ચર્યજનક નથી કારણ કે આ એવોર્ડ એટલે પુરસ્કારના નાણા, પ્રતિષ્ઠા કે ટેલેન્ટની કદર માટે નથી, પરંતુ તેના પગલે જ્યારે ખેલાડી નિવૃત્ત થાય ત્યારે પ્રમોશન અને વધારે પેન્શન માટે પણ મદદરૂપ થાય છે. સૌથી મોટો મુદ્દો એ છે કે ભારતના રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એટલે કે નેશનલ સ્પોટ્‌ર્સ એવોર્ડમાં બીજું બધું હશે પરંતુ રમત ગમત જેવું કઇ નથી. કારણ કે આ એવોર્ડ હવે ફેવર, લોબીંગ, નેટવર્કિંગ અને સોશિયલ મીડિયા પર હાજરીના આધારે નક્કી કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર હવે રાજકીય ખેલ બની ગયાં છે. આ વખતે એવોર્ડની યાદી ઘણી મોટી છે. જેમાં પાંચ ખેલરત્ન વિજેતાઓ, નોન-ઓલિમ્પિક અને નોન-એશિયન ગેમ્સમાં સાત અર્જુન એવોર્ડ વિજેતાનો સમાવેશ થાય છે પરંતુ તેમાં પણ ઉડીને આંખે વળગે એવા કેટલાક ખેલાડીઓની બાદબાકી કરવામાં આવી છે.
જેમ કે ૨૦૧૮માં વ્યક્તિગત ઇવેન્ટમાં એશિયન ગેમ્સ ગોલ્ડ જીતવા છતાં અર્જુન એવોર્ડ માટે અર્પિન્દરની ઉપેક્ષા કરવામાં આવી છે જ્યારે બે સિલ્વર જીતનાર દૂતી ચંદને એવોર્ડ આપવામાંં આવ્યો છે. જો પસંદગી સમિતિ ઇચ્છત તો આ બંનેનો સમાવેશ કરી શકી હોત પરંતુ અર્પિન્દરની કોઇ પણ પ્રકારના જસ્ટીફિકેશન વગર બાદબાકી કરવામાં આવી છે.
આમ એવોર્ડની પસંદગીમાં માપદંડ લાગુ પાડવામાં કોઇ એકરુપતા નથી. અધિકારીઓ અને પ્રધાનોના તરંગ એ કલ્પનાને આધારે નિર્ણયો લેવામાં આવે છે. રોહિત શર્મા જેમ કે ખેલરત્નને પાત્ર છે પરંતુ રાહુલ દ્રવિડ કે સુનિલ ગાવસ્કર કે કપિલદેવ કે પીટી ઉષાનું શું ? સમગ્ર યાદી અધૂરી જણાય છે.