(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સંકટમાં ઘેરાયેલા માલદીવના રાષ્ટ્રપતિએ પોતના દૂત એ દેશોમાં મોકલ્યા છે જ્યાં લોકશાહી માટે વધારે સન્માન નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણાં વિપક્ષી નેતાઓની મુક્તિના નિર્ણયથી નારાજ અબ્દુલ્લા યામીને વિદેશો પાસેથી સમર્થન મેળવવા માટે આર્થિક વિકાસમંત્રી મોહમ્મદ સઈદને બેઈજિંગ મોકલ્યા છે.
વિદેશમંત્રી મો.આસીમ પાકિસ્તાન જવા રવાના થયા છે અને કૃષિ અને મત્સ્ય ઉદ્યોગમંત્રી સઉદી અરબ પહોંચ્યા છે. યામીનને લાગી રહ્યું છે કે આ દેશોના સમર્થનથી તે વિપક્ષ અને સુપ્રીમ કોર્ટને દબાવી શકશે. રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઈટ મુજબ, કેબિનેટના સભ્યોને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ગય્યુમના નિર્દેશ પર મિત્ર દેશોમાં મોકલવામાં આવ્યા છે. તેઓ હાલની પરિસ્થિતિની જાણકારી આપશે.
૧૯૮૮માં ઓપરેશન કૈકટસ દ્વારા માલદીવના તખ્તાપલટને રોકનારા ભારતે અત્યારસુધી આ વિવાદમાં સીધી દખલગીરી કરી નથી. પરંતુ યામીને જે રીતે દૂતને ના મોકલીને ભારત, અમેરિકા,બ્રિટન અને સંયુક્ત રાષ્ટ્રની અવગણના કરી છે તેને નજરઅંદાજ કરી શકાય નહીં. સંયુક્ત રાષ્ટ્ર સહિત આ દેશોએ માલદીના રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરવાનું કહ્યું છે. પરંતુ યામીને કોર્ટના નિર્ણયને માનવાની જગ્યાએ દેશમાં ૧પ દિવસ માટે કટોકટી લાદી અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ઘણા વિપક્ષી નેતાઓની ધરપકડ કરી લીધી. નવી દિલ્હીમાં તૈનાત માલદીવના રાજદૂત અનુસાર, ભારતીય વિદેશ મંત્રાલયની સાથે તારીખો પર સહમતિ ના થઈ શકવાને કારણે કોઈ પણ મંત્રીને નવી દિલ્હી મોકલવામાં આવ્યા નથી.