નવી દિલ્હી, તા.૧પ
ભારતીય ક્રિકેટ ટીમની ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સપ્ટેમ્બરમાં રમાનારી ૬ મેચોની સીમિત ઓવરોની ઘરેલુ સિરીઝ અને ન્યુઝીલેન્ડ એ ટીમનો આગામી મહિનાનો પ્રવાસ કોવિડ-૧૯ મહામારીને પગલે સ્થગિત થવાનું નક્કી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પણ ટૂંકમાં આવું થવાની સંભાવના છે. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ ગોપનિયતાની શરતે કહ્યું કે ઈંગ્લેન્ડને સપ્ટેમ્બરના અંતમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-ર૦ મેચ રમવાની હતી. ચોક્કસ રીતે હાલની પરિસ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી નહીં શકે. બીસીસીઆઈની શુક્રવારે બેઠક થશે. જેમાં ભારતના ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ (એફટીપી) ચર્ચાનો મુખ્ય વિષય હશે. અધિકારીએ કહ્યું કે મને લાગે છે કે એફટીપી મામલે ચર્ચા બાદ ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવશે. ન્યુઝીલેન્ડ ‘એ’ને ઓગસ્ટમાં ભારત પ્રવાસે આવવાનું છે અને તેની પણ આવવાની સંભાવના નથી. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડની ટીમ આ સિરીઝ રમવા માટે આગામી વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પ્રવાસે આવી શકે છે. ભારતમાં કોવિડ-૧૯ના અત્યાર સુધી નવ લાખથી વધારે કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યા રપ૦૦૦ સુધી પહોંચવાની છે. ભારતમાં જો સપ્ટેમ્બર સુધી સ્થિતિ સુધરી જશે તો પણ ઈંગ્લેન્ડના આવવાની સંભાવના નથી.