વિશ્વની કોઇ તાકાત આપણા વીર જવાનોને દેશની સુરક્ષા કરવાથી રોકી શકે તેમ નથી, આજે ભારત આતંકીઓને ઘરમાં ઘૂસીને મારે છે, દેશના સૈનિકો છે તો દેશ છે અને તેમના લીધે જ દેશવાસીઓ તહેવાર ઉજવી શકે છે
સૈનિકોની બહાદૂરીના ઇતિહાસને લખવા કે વાંચવામાં આવશે ત્યારે ‘બેટલ ઓફ લોંગેવાલા’ને યાદ કરવામાં આવશે, પાકિસ્તાનનું નામ
લીધા વિના ૧૯૭૧નું યુદ્ધ અને ચીનનું નામ લીધા વિના વિસ્તારવાદી નીતિને વિકૃત માનસિકતા ગણાવી પ્રહાર કર્યા

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૪
ભારતના દુશ્મન દેશોને સ્પષ્ટ સંદેશ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારપૂર્વક કહ્યું કે, જો અમારા દેશની ઉશ્કેરણી કે કસોટી કરવામાં આવશે તો પ્રચંડ જવાબ મળશે. વડાપ્રધાન રાજસ્થાનમાં આવેલી લોંગેવાલા પોસ્ટ પર જઇને દેશના જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા હતા. આ સાથે ગઇ કાલની નાપાક હરકત અંગે પાક.ને નામ લીધા વિના ચેતવણી આપી કે અમને છંછેડશો તો પ્રચંડ જવાબ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિવાળીનો તહેવાર મનાવવા રાજસ્થાનના જેસલમેર સરહદે જવાનોની વચ્ચે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે બિપિન રાવત, સેના પ્રમુખ મુકુંદ નરવણે અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ જવાનોને સંબોધતા હુંકાર કરતા પાડોશી દેશોને ચેતવણી આપતા જણાવ્યું, ‘વિશ્વની કોઇ પણ તાકાત આપણા વીર જવાનોને દેશની સુરક્ષા કરવાથી રોકી શકે તેમ નથી. જો અમને છંછેડશો તો જવાબ આકરો જ મળશે. આજે ભારત આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે.’
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું, ‘ભારતીય જવાનોની બરાબરી કોઇ ના કરી શકે. તમામ જવાનોને દિવાળીની શુભકામના. હું તમારા માટે મીઠાઇ લઇને આવ્યો છું. મીઠાઇની સાથે-સાથે દેશવાસીઓનો પ્રેમ પણ લાવ્યો છું. તમે છો તો જ દેશ છે અને દેશમાં લોકો તહેવારો ઉજવી શકે છે. હું તમારા માટે દેશવાસીઓનો સ્નેહ લઇને આવ્યો છું. આપણાં જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. દુશ્મનોની હરકતનો આ જ રીતે જવાબ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, ‘જો દેશની કોઇ પોસ્ટનું નામ જો કોઇને યાદ છે તો તે છે લોંગેવાલા પોસ્ટ. અહીં ગરમીમાં તાપમાન ૫૦ ડિગ્રીએ પહોંચી જાય છે અને ઠંડીની ઋતુમાં શૂન્યથી પણ નીચે તાપમાન ચાલ્યું જાય છે. આ પોસ્ટ પર આપના સાથી મિત્રોએ વીરતાની એવી ગાથા લખી નાખી છે કે જે લોકોને આજે પણ યાદ છે.’ જ્યારે પણ સૈન્યની કુશળતાના ઇતિહાસ વિશે લખવા કે વાંચવામાં આવશે ત્યારે ‘બૈટલ ઑફ લોંગેવાલા’ને યાદ કરવામાં આવશે. આ તે સમય હતો કે જ્યારે પાકિસ્તાની સેના બાંગ્લાદેશની જનતા પર ત્રાસ ગુજારી રહી હતી. તેમની આ હરકતોથી પાકિસ્તાનનો છુપાયેલો ચહેરો ઉજાગર થઇ રહ્યો હતો. આ બધા પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાને આપણાં દેશની પશ્ચિમી સીમા પર મોરચો ખોલી દીધો. તેઓને લાગતું હતું કે, આવું કરીને બાંગ્લાદેશના પાપને દબાવી દઇશું પરંતુ પાકિસ્તાનને લેવાના દેવા પડી ગયા. આ પોસ્ટ પર પરાક્રમની ગુંજે દુશ્મનોનો હોંસલો પરસ્ત કરી નાખ્યો. મેજર કુલદીપ સિંહ ચાંદપુરના નેતૃત્વમાં દુશ્મનોને ધૂળ ચટાડી દીધી.’ જવાનોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું, ‘આપની પાસેથી મળેલી આ જ પ્રેરણાથી દેશ આજે મહામારીના આ કઠિન સમયમાં પણ દરેક નાગરિકના જીવનની રક્ષામાં જોડાયેલો છે. આટલાં મહીનાથી દેશ પોતાના ૮૦ કરોડ નાગરિકોના ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે. પરંતુ આ સાથે જ દેશ અર્થવ્યવસ્થાને ફરીથી ગતિ આપવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ દુશ્મનોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું, “આજે ભારતની રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત એ સમજવા અને સમજાવવાની નીતિ પર વિશ્વાસ કરે છે પરંતુ જો અમને આજમાવવાની કોશિશ કરશો તો તેનો જવાબ એટલો જ પ્રચંડ મળશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મોદી દરેક દિવાળીએ ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લેતાં રહે છે. ગયા વર્ષે દિવાળીએ તેઓ રાજૌરીમાં હતા જ્યારે ૨૦૧૮માં ઉત્તરાખંડમાં અને ૨૦૧૭માં ગુરેઝ સેક્ટરમાં પહોંચ્યા હતા.