(એજન્સી) તા.૧૩
ભારતની ડિજિટલ ઇકોનોમીના વિકાસમાં મદદ કરવા ગુગલ રૂા. ૭૫૦૦૦ કરોડના ભંડોળની જાહેરાત કરે છે. એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઇએ કહેતાં ભારપૂર્વક ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને ટેકો આપતા અમને ગૌરવની લાગણીનો અનુભવ થાય છે.
વિશ્વભરમાં ટેકનોલોજીના ક્ષેત્રે મહાકાય ગણાતી ગૂગલ કંપનીના સીઇઓએ કહ્યું હતું કે જુદી જુદી કંપનીઓ સાથે ટાઇ-અપ (જોડાણ) કરીને અને વિવિધ કંપનીઓના શેરોમાં રોકાણના હેતુસર આગામી પાંચથી સાત વર્ષ દરમ્યાન આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે.
આજે અમે ગૂગલ ફોર ઇન્ડિયા ખાતે ભારતની ડિજિટલ ઇકોનોમીના વિકાસ માટે ૧૦ અબજ ડોલરના ભંડોળની જાહેરાત કરીએ છીએ. ડિજિટલ ઇન્ડિયા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને અમે ટેકો આપીએ છીએ. અમારી સાથે જોડાવા બદલ પ્રધાન રવિન્દર પ્રસાદનો ઘણો આભાર. ડો. આરપી નિશંકનો ઘણો આભાર એમ ૪૮ વર્ષીય ભારતીય અમેરિકન એવા સુંદર પિચાઇએ તેમના ટિ્‌વટર હેન્ડલ ઉપર ટિ્‌વટ કરીને કહ્યું હતું. આ બાબત ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને તેની ડિજિટલ ઇકોનોમીમાં અમે દાખવેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે એમ પિચાઇએ ગૂગલ ફોર ઇન્ડિયા માટે યોજાયેલા વાર્ષિક સમારંભના વેબકાસ્ટિંગ દરમ્યાન કહ્યું હતું. અમારું રોકાણ ભારતના ડિજિટલાઇઝેશનના જે ચાર મુખ્ય એરિયા છે તેના ઉપર વિશેષ ભાર આપશે એમ ગૂગલ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
સૌપ્રથમ દરેક ભારતીયને તેની માતૃભાષામાં માહિતી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય. બીજું ભારતની અસાધારણ જરૂરિયાતો સાથે ગાઢ રીતે સુસંગત હોય એવી નવી પ્રોડક્ટ અને સેવા ઊભી કરવી. ત્રીજું હાલ પોતાનો મોટાભાગનો બિઝનેસ ડિજિટલના માધ્યમથી ચલાવી રહ્યા હોય એવા ઉદ્યોગોને વધુ સશક્ત બનાવવા અને ચોથું આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જેવા એરિયામાં સામાજિક કલ્યાણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ટેકનોલોજીનો સમન્વય કરવો એમ ગૂગલના નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ફક્ત ચાર વર્ષ પહેલાં જ ભારતના કુલ નાના ઉદ્યોગો પૈકી ત્રીજા ભાગના ઉદ્યોગો જ ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરતાં હતા પરંતુ આજે સર્ચ કરવાથી અને નકશા ઉપર ભારતમાં ૨.૬૦ કરોડ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સર્ચ કરી શકાય છે, અને આ ઉદ્યોગો દર મહિને ૧૫ કરોડ લોકો સાથે જોડાય છે. અમારો મુખ્ય આશય ભારત નાવિન્યના આગામી ઝંઝાવાતમાંથી ભરપૂર લાભ ઉઠાવે અને તેનું નેતૃત્વ કરે તે બાબત સુનિશ્ચિત કરવાનો છે એમ ગૂગલના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.