વાયરસ કદાચ ભેદભાવયુક્ત નહીં હોય પરંતુ વાયરસના સામાજિક અને આર્થિક પરિણામો ભેદભાવયુકત છે. સમૃદ્ધ લોકોને પોતાની નાણાકીય સ્થિતિ કે ભવિષ્ય અંગે ચિંતા નથી, બાકીના લોકોએ દરરોજ સંઘર્ષ કરવો પડે છે

(એજન્સી)                     તા.૯

કોરોના વાયરસ મહામારીને કારણે સતત આઘાતનો અનુભવ કરી રહેલ એક નવી યુવા પેઢી ઊભી થઇ રહી છે જે લોકડાઉન જનરેશન એટલે કે લોકડાઉન પેઢી તરીકે ઓખળખાશે એવી સંયુક્ત રાષ્ટ્રસંઘની લેબર એજન્સીએ ચેતવણી આપી છે. યુએસએની ધ હેરીસપોલના સીઇઓ જ્હોન ગરઝેમાએ જણાવ્યું છે કે મહામારીમાં બે પ્રકારના અર્થતંત્રો છે.

એક વયોવૃદ્ધ સમૃદ્ધ અમેરિકનો છે કે જેઓને વિશ્વાસ છે કે તેમની સમૃદ્ધિ થશે, પરંતુ ખરી પીડા યુવાનો અને ખાસ કરીને ઓછી આવક ધરાવતા અમેરિકનો અને લઘુમતીઓ ભોગવી રહ્યાં છે. ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. ભારતમાં તો મહામારી પહેલા જ બે પ્રકારના અર્થતંત્રો અસ્તિત્વ ધરાવતા હતાં, પરંતુ મહામારી દરમિયાન આ બે અર્થતંત્રનો વિરોધાભાસ વધુ સપાટી પર આવ્યો છે. વાયરસ કદાચ ભેદભાવયુક્ત નહીં હોય પરંતુ વાયરસના સામાજિક અને આર્થિક પરિણામો ભેદભાવયુકત છે.

સમૃદ્ધ લોકોને પોતાની નાણાકીય સ્થિતિ કે ભવિષ્ય અંગે ચિંતા નથી, બાકીના લોકોએ દરરોજ સંઘર્ષ કરવો પડે છે. આજના યુવાનો વૈશ્વિક બેરોજગારીના પડકારોનો સતત સામનો કરી રહ્યાં છે અને વયસ્ક પુખ્તો કરતાં યુવાનોને બેરોજગાર બનવાનું ત્રણ ગણું વધુ જોખમ છે એવું એટલાન્ટીક કાઉન્સિલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અહેવાલમાં જણાવાયું હતું .ભારતની સૌથી મોટી આર્થિક સમસ્યા ખાસ કરીને યુવાનો માટે બેરોજગારીની છે. જે યુવાનોએ ઉચ્ચત્તર શિક્ષણમાં રોકાણ કર્યુ છે તેમને હવે કામ મેળવવું મુશ્કેલ બની ગયું છે.

૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં બેરોજગારીનો દર ૬.૧ ટકા જેટલો વધ્યો હતો જે ૪૫ વર્ષમાં સર્વાધિક છે અને એમાંય કોરોના મહામારીએ આ મુદ્દાને વધુ તીવ્ર બનાવ્યો છે. આમ ભારતનું લોકડાઉન જનરેશન ગંભીર બેરોજગારીનો સામનો કરી રહ્યું  છે. યુવાનોનું રીટેલ હોસ્પિટાલિટી અને ટુરીઝમ સેક્ટરમાં વધુ પ્રતિનિધિત્વ હતું જેને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સીંગના ધોરણોને કારણે ભારે ફટકો પહોચ્યો છે. કોરોના વાયરસ સંકટને કારણે જંગી પ્રમાણમાં નોકરીઓ ગુમાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે અને તેનો સૌથી વધુ માર યુવાનોને સહન કરવો પડશે.