માન્ચેસ્ટર, તા. ૧૦
માન્ચેસ્ટરના મેદાન ઉપર વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં ભારતની હાર થતાં મોટો અપસેટ સર્જાયો હતો. આની સાથે જ કરોડો ક્રિકેટ ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. ન્યુઝીલેન્ડ સામે મેચમાં હાર થઇ હોવાની બાબત ભારતીયો મોડે સુધી માની શક્યા ન હતા અને મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો મેદાનમાં જ રડી પડ્યા હતા. સાથે સાથે તમામ ભારતીયોના ચહેરા ઉતરી ગયા હતા. મેદાન ઉપર ક્રિકેટ ચાહકો હતાશામાં ગરકાવ થઇ ગયા હતા. બીજી બાજુ ટીવી ઉપર મેચ નિહાળી રહેલા કરોડો ચાહકો પણ નિરાશામાં ગરકાવ થઇ ગયા હતા. ન્યુઝીલેન્ડે આ મેચમાં માત્ર ૨૩૯ રનનો જુમલો ખડક્યો હતો અને ગઇકાલથી જ ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચની સ્થિતિ હતી. કોઇપણ સ્થિતિમાં ભારત આ મેચ જીતી જશે તેમ તમામ લોકો માની રહ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૩૯ રન બનાવ્યા બાદ કોઇને કલ્પના ન હોય તે રીતે ભારતીય ટીમનો ધબડકો થયો હતો. વર્લ્ડકપની નવ મેચોમાં પાંચ સદી ફટકારી ચુકેલા રોહિત શર્મા આજે કોઇ ખતરનાક બોલ ન હોય તેવા બોલ પર માત્ર એક રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ પણ માત્ર એક રન કરીને આઉટ થયો હતો. ભારતીય ટીમને એક પછી એક ફટકા જારી રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી જે હજુ સુધીના વર્લ્ડકપમાં પાંચ અડધી સદી ફટકારીને જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો તે પણ બોલ્ટની બોલિંગમાં એક રન કરીને આઉટ થયો હતો.