(એજન્સી) તા.૭
મેઇડ ઇન ચાઇનાની વસ્તુઓની ખરીદી સામે દેશભરમાં જાગેલા વિરોધના વંટોળના મહિનાઓ બાદ ભારતમાં ૬ ઓગસ્ટથી તહેવારોની ઓનલાઇન ખરીદીની સીઝન શરૂ થઇ ગઇ છે જેમાં સંખ્યાબંધ સ્માર્ટફોન કંપનીઓએ પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.
ભારતના બે અગ્રણી ઇ-કોમર્સના પ્લેટફોર્મ ગણાતા એમેઝોન અમે ફ્લિપકાર્ટ ઉપર ૬ ઓગસ્ટના રોજ સવારે ૧૦ વાગ્યાથી જ રેડમી સ્માર્ટફોનને સૌથી અસરકારક રીતે ડિસ્પ્લેમાં મૂકાયા હતા. દરમ્યાન ચીનની ડોંગગુઆન પ્રાંતની બીબીકે ઇલેકટ્રોનિક કોર્પોરેશનની માલિકીની રિયલમી, ઓપ્પો, વીવો, વન પ્લસ અને આઇક્યુઓઓ જેવા બ્રાન્ડના સ્માર્ટફોન પણ લોકોની લોકપ્રિય પસંદ બની રહ્યા હતા. ભારતની વાર્ષિક ઓનલાઇન ફેસ્ટિવલ સિઝનના સેલ્સની પ્રથમ શ્રેણીમાં એમેઝોન કંપનીએ આ વર્ષે બે દિવસના પ્રાઇમ ડે સેલની જાહેરાત કરી હતી જ્યારે ફ્લિપકાર્ટ કંપનીએ ૧૦ ઓગસ્ટ સુધી ચાલનારા તેના બિગ સેવિંગ ડે પ્રોગ્રામને લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક મહિનાથઈ ભારતમાં ચીન વિરુદ્ધ લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. કેટલાંક લોકો કોરોના વાઇરસ ચીને ફેલાવ્યો હતો એવો આરોપ મૂકે છે, જ્યારે કેટલાંક લોકો ગત ૧૫ જૂનના રોજ લદાખના ગલવાન ખીણ પ્રદેશમાં ચીનના લશ્કર સાથે થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતના શહીદ થયેલા ૨૦ જવાનો બદલ ચીન ઉપર રોષે ભરાયેલા હતા. ચીન વિરૂદ્ધ જ્યારે સમગ્ર દેશમાં ચરમસીમાનો રોષ ફેલાયેલો હતો ત્યારે કેટલાંક લોકોએ તો વળી પોતાના ચાઇનાના સ્માર્ટફોન તોડી નાંખ્યા હતા, કેટલાંક લોકોએ ચીનમાં બનેલા રમકડાં તોડી નાંખ્યા હતા અને કેટલાંક લોકોએ ઓપ્પો અને વીવો જોવા સ્માર્ટફોન જ્યાં ડિસ્પ્લેમાં મૂકાયા હતા એવા મોટા મોટા સ્ટોરમાં ભારે તોડફોડ કરી હતી. બોયકોટ ચાઇના અર્થાત ચીનનો બહિષ્કાર કરવાના જાગેવા જનજુવાળ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ૨૯ જૂન થી ચીનમાં ૫૯ એપ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ તમામ વાસ્તવિકતાઓ હોવા છતાં ચીનમાં બનેલા સ્માર્ટફોનનુ વેચાણ ભારતમાં સતત વધતું રહ્યું છે. ગત ૧૮ જૂનના રોજ ભારતમાં લોન્ચ થયેલ ચાઇનીઝ સ્માર્ટફોન વન પ્લસ-૮ લોન્ચ થતાની સાથે મિનિટોમાં જ વેચાઇ ગયો હતો. ટૂંકમાં હાલના તબક્કે ભારતના લોકોના સ્માર્ટફોનના શોખની ઘેલછા અને વળગણને જોતાં તે ચાઇનીઝ ફોન વિના અશક્ય જણાશે. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના સોળે કલાએ ખીલેલી હતી અને તેની ચરમસીમાએ પહોંચેલી હતી ત્યારે પણ સ્વદેશી બ્રાન્ડ ગણાતા લાવા સ્માર્ટફોનનું વેચાણ સહેજપણ વધ્યુ નહોતું.