(એજન્સી) તા.૨૯
કિન્નાખોર સરકાર ભારતમાં બેશરમ બનીને વિરોધ અને પ્રતિકાર કરનારના અવાજ પર પ્રહારો કરી રહી છે અને ચિંતાજનક વાત એ છે કે એવો અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે એ લોકો રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા માટે ખતરારુપ છે. ૨૮ ઓગસ્ટે પોલીસે ૧ જાન્યુ.૨૦૧૮ના રોજ ભીમા-કોરેગાંવ હિંસાની સાઝીશ રચવાના અને હિંસાને ભડકાવવામાં સંડોવણી બદલ તેમની તપાસ કરવાના બહાના હેઠળ ભારતભરમાં કેટલાય સામાજિક કર્મશીલોના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા.
ફાધર્સ સ્ટેન સ્વામીના રાંચી ખાતેના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમના ફોન, લેપટોપ, હાર્ડડિસ્ક, પેન ડ્રાઇવ અને અન્ય સ્ટોરેજ ડિવાઇસ જપ્ત કરવામાં આવી હતી. સ્વામી આદિવાસીઓના અધિકારો માટે વાચાળ હિમાયતી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સરકારના રડાર પર હતા. તેનું કારણ એ છે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ ૨૦૧૬ દ્વારા અધિકારીતા ધરાવતા આદિવાસીઓ ખનન કંપનીઓ અને અન્ય બિઝનેસ ઉદ્યોગોની જેના પર મેલી નજર છે એવી વન્ય જમીન પર દાવો કરી રહ્યા છે. જો કે દરોડાની આ કાર્યવાહી પાછળ દેખીતો હેતુ દલિત પરિવારો પર ભીમા-કોરેગાંવ હુમલાના થોડા દેવસ પહેલા પૂણેમાં યોજાયેલ કર્મશીલોની બેઠક અલગાર પરિષદના સંદર્ભમાં હોવાનું માનવામાં આવે છે. આ સિવાય ૮૦ વર્ષના સ્વામીને અલગાર પરિષદ સાથે કોઇ નિસ્બત નથી. આવા જ દરોડા મુંબઇ સ્થિત માનવ અધિકાર કર્મશીલ અરુણ ફરેરા અને વર્નોન ગોન્સાલ્વીસના નિવાસસ્થાને પૂણેની પોલીસ ટીમ દ્વારા પાડવામાં આવ્યા હતા. ફરેરા પર માઓવાદી હોવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. તેઓ નિર્દોષ હોવા છતાં તેમને જેલમાં પાંચ વર્ષ ગાળવા પડ્યા હતા. હૈદરાબાદમાં પણ વારાવારા રાવ અને ક્રાંતિ જેવા કર્મશીલોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. વારાવારાના પુત્રી અનાલા અને તેમના પત્રકાર પતિ પુરમાનતને પણ છોડવામાં આવ્યા ન હતા એ તેમની ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલ કર્મશીલો પર ગેરકાયદે પ્રવૃત્તિ ધારા અને આઇપીસીની વિવિધ કલમો પર આરોપો મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર કવાયત હાસ્યાસ્પદ છે કારણ કે આ કેસમાં મુખ્ય આરોપી મનોહર સંભાજી ભીડે પુરાવાના અભાવે મુક્ત છે. અગાઉ ઉમર ખાલીદ અને ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને પણ આ કેસમાં ઘસેડવામાં આવ્યા હતા કારણ કે તેઓ અલગાર પરિષદમાં હાજર હતા.