(એજન્સી) તા.૨૨
તાજેતરમાં જ બે શૈક્ષણિક વિદ્વાનોના રાજીનામાના પડઘાં હવે વિશ્વમાં પડી રહ્યા છે. આ મામલે કવરેજ કરતાં ટાઈમ મેગેઝિને એક સમાચાર પ્રકાશિત કર્યા હતા જેનું હેડલાઈન આપ્યું હતું કે, ઈટ ઈઝ ડેન્જરસ ટુ સ્પીક અપ ઈન ઈન્ડિયા ટુડે એટલે કે મોદી સરકારના શાસન હેઠળ આજે ભારતમાં બોલવું ઘાતક બની ગયું છે. અવાજ ઊઠાવવો જોખમી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ અઠવાડિયે બે પ્રસિદ્ધ યુનિવર્સિટીઓના વિદ્વાનોએ રાજીનામા આપી દીધા હતા. તેમણે વાણી સ્વતંત્રતાના મુદ્દા પર જ આ કાર્યવાહી કરી હતી. હિન્દુ રાષ્ટ્રવાદના આધારે આગળ વધી રહેલી ભાજપના નેતૃત્વમાં આજે કોઈને અવાજ ઊઠાવવાનો અધિકાર રહ્યો જ નથી તેવો તેમણે દાવો કર્યો હતો અને ટાઈમ મેગેઝિને આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. સોમવારે દિલ્હીમાં અશોક યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર પ્રતાપ ભાનુ મહેતાએ રાજીનામું આપી દીધું હતું. પોતાના રાજીનામામાં તેમણે ખુલાસો કર્યો હતો કે, મારા પર મોદી સરકાર દ્વારા આડકતરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ અશોક યુનિવર્સિટીનાના ઈકોનોમિક્સના પ્રોફેસર જેઓ ચીફ ઈકોનોમિક એડવાઈઝર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા તેવા અરવિંદ સુબ્રમણ્યમે પણ રાજીનામું આપી દીધું હતું અને તેમણે મહેતાને સમર્થનમાં આ રાજીનામું આપ્યું હતું. તેમણે પણ પોતાના રાજીનામામાં દાવો કર્યો હતો કે, આજના સમયમાં મોદી સરકારના શાસનમાં કોઈને બોલવાની છૂટ નથી. જે અવાજ ઊઠાવે છે તેને દબાવી દેવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવે છે.