(એજન્સી)                                                         તા.૫

ધ વાયર સાયન્સ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં એવો પર્દાફાશ થયો છે કે ભારતભરમાં કોવિડ-૧૯ના કારણે થતાં મૃત્યુનો આંક જાણી જોઇને ઓછો બતાવવામાં આવે છે. કેટલાક મૃત્યુને કોવિડ-૧૯ને કારણે થયાં હોવા છતાં તેની યાદીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. પ્રથમ કેટેગરીમાં માત્ર એવા દર્દીઓના મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોય પરંતુ જ્યારે જે દર્દીઓને કોવિડ-૧૯ના લક્ષણો હોય, પરંતુ તેમનો ટેસ્ટ થયો ન હોય અથવા ટેસ્ટ નેગેટીવ આવ્યો હોય અથવા કોઇ પણ જાતના નિષ્કર્ષ વગરનું પરિણામ આવ્યું હોય તો એવા દર્દીઓના મૃત્યુને કોવિડ-૧૯ના મૃત્યુ તરીકે ઓળખવામાં આવતાં નથી. મહામારી નિષ્ણાત આવા મૃત્યુને શકમંદ કોવિડ-૧૯ મૃત્યુ તરીકે અથવા સંભવિત કોવિડ-૧૯ મૃત્યુ અથવા ક્લિનીકલી ડાયોગ્નાઇઝ્‌ડ કોવિડ-૧૯ મૃત્યુ તરીકે એમ વિવિધ માપદંડોના આધારે મૃત્યુનું વર્ગીકરણ કરવામાં આવે છે જેના માટે આ લેખમાં આવા તમામ વર્ગીકૃત મૃત્યુને શકમંદ મૃત્યુ તરીકે એવો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. ટેસ્ટનું નેગેટીવ રીઝલ્ટ આવે તેનો અર્થ એ નથી કે ડોક્ટરને આવા દર્દીના મૃત્યુના કારણ અંગે કોઇ જાણ નથી હોતી. આ માટે ધ વાયર સાયન્સ દ્વારા ત્રણ ડોક્ટરો-વાયરોલોજીસ્ટ ડી જેકબ જ્હોન, પલમોનોલોજીસ્ટ પરવેશ કૌલ અને રેડિયો લોજીસ્ટ વિજય સદ્‌શિવમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્હોન અને પૌલ બંને એક વાત સાથે સંમત થયાં હતાં કે દર્દીના નોંધાયેલા લક્ષણો અને એક્સ-રે કોવિડ-૧૯ના શંકાસ્પદ કેસ દર્શાવે છે. કોવિડ-૧૯ના દર્દીઓનું નિદાન કરવા માટે અન્ય કોઇ માર્ગ નહીં હોવાથી મોટા ભાગના ભારતના રાજ્યોમાં તેને શંકાસ્પદ મૃત્યુ તરીકે રિપોર્ટ કરવામાં આવે છે અને કોવિડ-૧૯ એવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ધ વાયર સાયન્સ દ્વારા આ અંગે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો-મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા, તામિલનાડુ, ઉ.પ્ર., મ.પ્ર. અને પુડુચેરીના મ્યુનિસિપલ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ઇન્ટિગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોગ્રામના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમાંના તમામે જણાવ્યું હતું કે તેઓ શંકાસ્પદ મૃૃત્યુનો કોવિડ-૧૯ મૃત્યુઆંકને પ્રસિદ્ધ કરવાની યાદીમાં સમાવેશ કરવામાં આવતો નથી. ગુજરાતમાં વડોદરા અને સુરત બે શહેરોમાં તેમજ તેલંગાણાના તમામ જિલ્લાઓમાં આ સંદર્ભમાં આઇસીએમઆરની ગાઇડલાઇન્સનો ભંગ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે.