(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
ભારતમાં અત્યારસુધી કોરોના વાયરસને કારણે અત્યારસુધી ૧૨૫ લોકોનાં મોત થઇ ચૂક્યા છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં જ નવા ૬૯૩ કેસો આવ્યા છે અને તેમાં એક જ દિવસમાં ૩૨ લોકોનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવા આંકડા જારી કર્યા હતા જેમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૪૪૦૦ને પાર ગઇ છે. આ ચોથો દિવસ છે જ્યારે ભારતમાં ૨૪ કલાકમાં કેસોની સંખ્યા ૫૦૦થી વધુ થઇ છે. દેશમાં કુલ કેસોમાં ૧૦૦૦થી વધુ કેસો જમાત સાથે સંકળાયેલા છે. દરમિયાન કેન્દ્રીય કેબિનેટે નક્કી કર્યું છે કે, કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો કોરોના વાયરસની કટોકટીને કારણે પોતાના પગારમાં એક વર્ષ માટે ૩૦ ટકા કાપ મુકશે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. પાર્ટીના ૪૦મા સ્થાપના દિવસે વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું કે, કોરોના વાયરસના વધી રહેલા ફેલાવાને રોકવા લોકડાઉન દરમિયાન લોકો દ્વારા પરિપકવતા તથા ગંભીરતા દેખાડાઇ છે. આ એક લાંબી લડાઇ છે, આપણે હારવાનું નથી, થાકવાનું નથી, આ રોગચાળા સામેની લડાઇમાં જીતીને બહાર આવવું આપણું મિશન છે.
૨. કોરોના વાયરસના અંધકારમય ફેલાવાને પડકાર આપવા પીએમ મોદીના આહવાનને પગલે રવિવારે રાત્રે લાખો લોકોએ ઘરોની લાઇટો બંધ કરીને દીવા પ્રગટાવ્યા હતા જ્યારે મીણબતી જલાવી હતી કેટલાકે ફટાકડા ફોડ્યા જ્યારે કેટલાકે બાલ્કનીઓમાંથી ચીચીયારીઓ પાડી હતી.
૩. વડાપ્રધાન મોદીએ બે પૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો તથા તમામ સિનિયર વિપક્ષી નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી જેમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો પણ સમાવેશ થાય છે. સૂત્રો અનુસાર આ વાત દેશવ્યાપી લોકડાઉનને ઉઠાવવાના પરિણામ અંગે ચર્ચા માટે કરાઇ હતી.
૪. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, દરેક ૪.૧ દિવસમાં કોરોના વાયરસના કેસો બમણા થઇ રહ્યા છે અને આ દર ૭.૧ ટકા સુધી રોકી શકાયો હોત.
૫. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, મરકઝ સાથે સંકળાયેલા કેસોને કારણે સંખ્યા વધી છે. કુલ ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેસોમાં વધારો થયો છે.
૬. મંત્રાલય અનુસાર મરકઝ સાથે સંકળાયેલા કેસો તમિલનાડુ, દિલ્હી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, આસામ, કર્ણાટક, અંદામાન નિકોબાર, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, કેરળ, અરૂણાચલપ્રદેશ અને ઝારખંડમાં ફેલાયા છે.
૭. મુંબઇની વોકહાર્ટ હોસ્પિટલને ત્રણ ડોક્ટરો અને ૨૬ નર્સોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હંગામી ધોરણે બંધ કરીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાઇ છે. અચાનક વધેલા કેસો અંગે તપાસ કરવાના આદેશ અપાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ૭૦૦ને પાર કરી ગયા છે.
૮. પીએમ મોદી દ્વારા જાહેર કરાયેલા ૨૧ દિવસના લોકડાઉનમાં સોમવારનો ૧૪મો દિવસ હતો. આ સમગગાળામાં તમામ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેસેન્જર ફ્લાઇટો પણ બંધ કરાઇ છે. ૨૧ દિવસના લોકડાઉન પછી તબક્કાવાર રીતે ફ્લાઇટોને સરકાર સરૂ કરી શકે છે. એર ડેક્કને પોતાના તમામ કર્મચારીઓને પગાર વિના રજા પર ઉતારી દીધા છે.
૯. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકારે આક્રમક યોજનાની વિગતો જાહેર કરી છે જેમાં એક મહિના સુધી બફર ઝોન તથા ઊંચા જોખમ ધરાવતા વિસ્તારોને સીલ કરવાનું પણ સામેલ છે. આ વ્યૂહરચના કોરોનાના ટ્રાન્સમિશનની ચેઇનને રોકવા માટે ઘડાઇ છે. આ અંકુશો ત્યારે હટાવાશે જ્યારે અહીં કેસોની સંખ્યા ધીમે-ધીમે ઘટશે.
૧૦. સમગ્ર વિશ્વમાં હાલ ૧૨ લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે જ્યારે ૭૦,૦૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કરી હતી અને મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વાઇનની માગણી કરી હતી. ભારતે આ દવા અને તેના વેરિયેશનને અટકાવી રાખી છે. અમેરિકામાં અત્યારસુધી ૯,૦૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે.