(એજન્સી) નવી દિલ્હી,તા.૨૩
ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના સંક્રમણને રોકવા એક પછી એક ચાર-ચાર લોકડાઉન લગાવવા છતાં કોરોના પોઝિટિવ કેસો ઓછા થવાને બદલે વધી રહ્યાં હોય તેમ છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન ૬,૬૫૪ કેસ નોંધાયા છે જે અત્યારસુધીમાં ૨૪ કલાકમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. તેની સાથે વધુ ૧૩૭ લોકોના મોત પણ થયા છે. અને દેશમાં કોરોના સંક્રમિત કેસો સવા લાખ પર પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારે ૨૫ માર્ચના રોજ લોકડાઉન-૧ લાગુ કર્યો તે પછી તેને લંબાવતા લંબાવતા હવે ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું છે. પરંતુ પોઝિટિવ કેસો ઘટવાને બદલે વધી રહ્યાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જે નવા ૬,૬૫૪ કેસો એક જ દિવસમાં નોંધાયા તેમાં અડધોઅડધ કેસ મહારાષ્ટ્રના છે. ત્યારબાદ તામિલનાડુ અને ત્રીજા નંબરે ગુજરાત આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ૬,૬૫૪ કેસોની અત્યાર સુધીનો સૌથી વધુ વધારો થયો છે અને ૧૩૭ મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા ૧,૨૫,૧૦૧ છે જેમાં ૬૯,૫૯૭ સક્રિય કેસ અને ૩,૭૨૦ મોત શામેલ છે. સૂત્રોએ કહ્યું કે, કોરોના વાઇરસનો ચેપ વધતો અટકાવવા કેન્દ્ર સરકારે જનતા કર્ફ્યુ, લોકડાઉન, રાત્રિ કરફ્યુ, માત્ર દૂધ અને દવાની દૂકાનોને જ મંજૂરી અને એવા બધા કડક પગલા લીધા છતાં કેસ વધતા રહ્યાં અને ગણતરીના દિવસોમાં જ કેસો ઝડપથી ૧.૨૫ લાખ સુધી પહોંચી ગયા છે. જેમાં છેલ્લાં કેટલાક દિવસોમાં તો રોજે રોજ ૫ હજાર કરતાં વધારે કેસો બહાર આવી રહ્યાં છે.
કોરોનાના કારણે દેશમાં ૪૨.૩ ટકા લોકોના મોત માત્ર મહારાષ્ટ્રમાં થયા છે. શનિવાર સવાર સુધી કોરોનાના ૨,૯૪૦ નવા કેસ સામે આવ્યા હતા. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા પ્રમાણે ભારતમાં સંક્રમિતોની સંખ્યા સવા લાખને પાર પહોંચી છે. આ અઠવાડિયામાં બીજી વખત એવું થયું છે જ્યારે એક જ દિવસમાં ૬ હજારથી વધારે કેસ નોંધાયા હોય. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૭ લોકોનાં મૃત્યુ થયાં છે, જે પછી ભારતમાં મહામારીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૩,૭૨૦ થઈ ગઈ છે. કોવિડ-૧૯થી સંક્રમિતોના સ્વસ્થ થવાનો દર ૪૧ ટકા જેટલો છે. અત્યાર સુધીમાં ૫૧,૭૮૩ લોકો સ્વસ્થ થયા છે. રાજસ્થાનમાં આજે સવારે ૯ વાગ્યા સુધી કોરોના વાયરસના ૪૮ કેસ સામે આવ્યા છે અને ૨ મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૬,૫૪૨ થઈ ગઈ છે અને કોરોના વાયરસથી થતા મોતનો આંકડો ૧૫૫ છે, રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા ૨,૬૯૫ છે. પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના ૧૩૫ નવા કેસ સામે આવ્યા છે અને ૬ મોત થયા છે. રાજ્યમાં ૨૨ મે સુધી કોરોના વાયરસ પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા ૩,૩૨૨ છે. આમાં રિકવર થઈ ચૂકેલા ૧,૨૪૯ કેસ અને ૧૯૯ મોત શામેલ છે. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત ૪૪,૫૮૨ મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં ૨,૯૪૦ નવા કેસો સાથે કોરોના વાયરસના કેસોમાં એક દિવસમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૪૪,૫૮૨ થઈ ગઈ છે. અહીં મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસના ૫૩ નવા કેસ સામે આવ્યા છે. ધારાવીમાં હવે કોરોના વાયરસ પૉઝિટિવ કેસોની સંખ્યા વધીને ૧,૪૭૮ થઈ ગઈ છે અને કોરોના વાયરસથી થતા મોતનો આંકડો ૫૭ છે. ગુજરાતમાં કુલ કેસ ૧૩,૨૭૩ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૬૩ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસ પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૧૩,૨૭૩ થઈ ગઈ છે. આમાં ૫,૮૮૦ રિકવર થઈ ચૂકેલ કેસ અને ૮૦૨ મોત શામેલ છે. તેલંગાનામાં ૭૮૬ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૧૪,૭૫૩ થઈ ગઈ છે. બિહારમાં કોરોના વાયરસના ૧૧૮ વધુ કેસ સામે આવ્યા છે. હવે રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૨,૧૦૫ થઈ ગઈ છે. કર્ણાટકમાં કોરોનાનાં એક દિવસમાં સૌથી વધુ ૨૧૬ કેસ મળ્યા છે, આંકડો ૧,૯૬૦ નજીક પહોંચ્યો છે.