(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
ભારતમાં દુનિયાની જેમ કોરોના વાયરસના કેસો ભયાનક રીતે વધી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આજે માહિતી આપી હતી કે, દેશમાં કોરોના વાયરસના કેસો ૫૬,૦૦૦ને પાર થઇ ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૧૯૦૦ને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૩૯૦ કેસોનો વધારો થયો છે અને આ સમયગાળામાં ૧૦૩ લોકોનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૭,૯૧૬ છે જ્યારે ૧૬,૫૩૯ લોકોએ કોરોનાની બીમારી સામે જીત મેળવી છે. આથી અત્યારસુધી દર્દીઓના સાજા થવાનોદર વધીને ૨૯.૩૫ ટકા થઇ ગયો છે. કુલ કેસોનીૈ સંખ્યામાં ૧૧૧ વિદેશી નાગરિકો પણ સામેલ છે.
સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સવારે નવા આંકડા બહાર પાડ્યા હતા જેમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા ૫૬,૩૪૨ આવી છે. તે પૈકીના ૧,૮૮૬ લોકોના મોત થયા છે પરંતુ સદનસીબે ૧૬,૫૩૯ લોકો સાજા થયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૭,૯૧૬ જેટલી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૦૦થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત આવ્યા છે અને તેમાં માત્ર મુંબઈના દર્દીઓની સંખ્યા ૬૮૦ છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૧૭,૯૭૪ છે અને તેમાંથી માત્ર મુંબઈના કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૧,૩૯૪ છે. મુંબઈના ૪૩૭ દર્દીઓ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૪ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગુરૂવાર સવારથી શુક્રવારે સવાર સુધી કુલ મોતનો આંકડો ૧૦૩ થયો છે જેમાં મહારાષ્ટ્રના ૪૩ દર્દીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ ગુજરાતમાં ૨૯, મધ્યપ્રદેશમાં આઠ, પશ્ચિમ બંગાળંમાં સાત, રાજસ્થાનમાં પાંચ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં બે-બે જ્યારે બિહાર, દિલ્હી, કર્ણાટક, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. તમિલનાડુમાં મોતનો આંકડો ૩૭, કર્ણાટકમાં ૩૦, તેલંગાણામાં ૨૯ પર પહોંચ્યો છે. પંજાબમાં ૨૮, જમ્મુ-કાશ્મીરમાં નવ, હરિયાણામાં સાત, બિહાર અને કેરળમાં ચાર લોકોના મોત થયા છે.
બીજી તરફ દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૫,૯૮૦ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં નવા ૪૪૮ કેસ સામે આવ્યા છે જે એક જ દિવસનો રેકોર્ડ સમાન આંકડો છે. ચોંકાવનારી વાત એ છે કે, દિલ્હીમાં માત્ર છ જ દિવસમાં ૨,૦૦૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગત ૩૦ એપ્રિલ સુધી દેશમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા ૩૩,૦૦૦ જેટલી હતી જે મે મહીનાના શરૂઆતના સાત દિવસોમાં જ વધીને ૫૬,૦૦૦ થઈ ગઈ છે. મતલબ કે, છેલ્લા સાત જ દિવસમાં નવા ૨૩,૦૦૦ કેસ સામે આવ્યા છે. તે સિવાય ૩૦મી એપ્રિલ સુધીમાં કોરોનાના કારણે કુલ ૧,૦૫૭ લોકોના મોત થયા હતા જે આંકડો વધીને ૧,૮૮૬ થઈ ગયો છે. મતલબ કે, છેલ્લા સાત દિવસમાં વધુ ૮૦૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, કોરોનાના કારણે લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે તે રાહતના સમાચાર છે. ૩૦મી એપ્રિલ સુધીમાં આશરે ૮,૦૦૦ લોકો સાજા થયા હતા જે આંકડો હવે ૧૬,૦૦૦થી વધી ગયો છે. મતલબ કે, સાજા થનારા લોકોની સંખ્યામાં બમણો વધારો થયો છે.