(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસની દહેશત બાદ હવે ભારતમાં પણ તેનો પગપેસારો વધી રહ્યો છે. ભારતમાં અત્યારસુધી કોરોના વાયરસના છ કેસોની પુષ્ટી કરાઇ છે. નવો કેસ જયપુરનો છે. એક ઇટાલિયન નાગરિકના નમૂનાની ત્રીજી તપાસમાં તેને કોરોના પોઝિટિવ જણાયું હતું. આમાંથી બે કેસો સોમવારે સામે આવ્યા હતા. જ્યારે જયપુરમાં ઇટાલીના પર્યટકના કોરોના વાયરસ ગ્રસ્ત હોવાની પુષ્ટી મંગળવારે કરાઇ હતી. આની સાથે-સાથે ઉત્તરપ્રદેશના આગરામાં પણ છ લોકોના નમૂના લેવાયા છે. આગરામાં નમૂના પરિક્ષણ દરમિયાન ભારે તાવના છ કેસોની જાણ થઇ છે. તે બાદ આ લોકોને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ તમામ લોકો દિલ્હીના એ ૪૫ વર્ષીય દર્દીના સંપર્કમાં હતા જેનો કેસ સોમવારે સામે આવ્યો હતો. આ છ લોકોને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમના નમૂના બીમારીની તપાસ માટે પૂણેના લેબોરેટરીમાં મોકલાયા છે. કેન્દ્ર સરકારે પણ આ માટે દિશાનિર્દેશ જારી કર્યા છે. સાથે જ દિલ્હી સરાકરે પણ તેને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી કરવાનો દાવો કર્યો છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. જયપુરમાં ઇટાલીના નાગરિકના તપાસના નમૂના પોઝિટિવ આવ્યા બાદ ભારતમાં આ વાયરસથી અત્યારસુધી છ લોકોને ચેપ લાગ્યો છે. આમાં ત્રણ નવા કેસો છે. સોમવારે તેલંગાણામાંથી એક, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાંથી એક કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ મંગળવારે જયપુરમાં ઇટાલીના એક પર્યટકના નમૂના તપાસમાં પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ત્રણ કેસો કેરળમાં પણ સામે આવ્યા હતા.
૨. ઇટાલીના પર્યટકનો પ્રથમ નમૂનો શનિવારે લેવાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેની હાલત બગડી રહી હોવાથી બીજો નમૂનો લેવાયો હતો. તેની તપાસમાં તેના કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થવાની પુષ્ટી થઇ હતી. અધિકારીઓએ કહ્યું કે, કેમ કે રિપોર્ટ વારંવાર જુદા આવી રહ્યા હતા. તેથી નમૂનાના પરિક્ષણ માટે પૂણે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી(એનઆઇવી) મોકલાયા હતા. ત્યારે એવું કહેવાય છે કે, ઇટાલીના નાગરિકની પત્નીને પણ જયપુરની હોસ્પિટલમાં તપાસમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના સેમ્પલને પણ ખરાઇ માટે પૂણે મોકલાયા છે.
૩. ભારતમાં કોરોનાના નવા કેસોની પુષ્ટી બાદ સરકારે અનેક સાવચેતીના પગલાં લીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ૪ દેશો જાપાન, ઇટાલી, દક્ષિણ કોરિયા અને ઇરાનના નાગરિકોને આપેલા વીઝા રદ કર્યા છે. સાથે જ ચીનના નાગરિકોના વીઝા પર પાબંદી હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત ભારતીય નાગરિકોને સલાહ અપાઇ છે કે, જ્યાં સુધી જરૂરી ના હોય ત્યાં સુધી આ ચાર દેશોનો પ્રવલાસ કરવો નહીં.
૪. મંગળવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, કોરોના વાયરસ વિરૂદ્ધ તૈયારીઓ અંગે વ્યાપક સમીક્ષા કરાઇ છે. રાજ્યની સરકારો અને મંત્રાલયો આ અંગે સાથે-સાથે કામ કરી રહ્યા છે જેથી કોરોના વાયરસ પીડિતોની યોગ્ય સારવાર થઇ શકે. આ સાથે જ તેમણે કહ્યું કે, આપણે બધાએ કામ કરવાની જરૂર છે. તેમણે એક ટિ્‌વટમાં માહિતી આપી કે, કેવીરીતે કોરોના વાયરસના પ્રકોપથી બચી શકાય છે. તેમણે લોકોને કહ્યું કે, ગભરાવાની જરૂર નથી.
૫. દિલ્હી સરકારે પણ કોરોના વાયરસને પહોંચી વળવા માટે કમર કસી છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, એક બેઠક થઇ છે અને તેની સમીક્ષા કરાઇ છે. તેની કોઇ તાત્કાલિક સારવાર નથી. પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, દિલ્હીમાં આરએમએલ અને સફદરજંગને નોડલ હોસ્પિટલ બનાવાઇ છે. સાથે જ ૩.૫ લાખ એમ-૯૫ માસ્કની વ્યવસ્થા કરાઇ છે. તેને પહોંચી વળવા માટે ૨૫ હોસ્પિટલો તૈયાર છે જેમાં ૧૯ સરકારી તથા ૬ પ્રાઇવેટ હોસ્પિટલો છે.
૬. એર ઇન્ડિયાએ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ સાથે ૨૫ ફેબ્રુઆરીએ વિમાનમાં યાત્રા કરનારા પોતાના અન્ય પ્રવાસીઓને સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રોટોકોલ માનવા કહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે દિલ્હીમાં એક વ્યક્તિના કોરોના વાયરસથી ચેપ થવાની પુષ્ટી બાદ સરકારી વિમાની કંપનીએ આ નિર્દેશ જારી કર્યા છે. વિમાનના ચાલક દળના સભ્યોને પણ ઘરમાં બધાથી અલગ રહેવા જણાવાયું છે.
૭. કોરોના વાયરસને કારણ નોઇડાની બે ખાનગી શાળાઓએ મંગળવારે આગામી કેટલાક દિવસ માટે ક્લાસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, એક વિદ્યાર્થીના પિતામાં કોરોના વાયરસની પુષ્ટી થયા બાદ સાવચેતીના પગલાં રૂપે નિર્ણય લેવાયો છે. બંને શાળાઓએ વાલીઓને મેસેજ મોકલીને શાળા બંધ હોવાની માહિતી આપી છે. અહીં છ માર્ચ સુધી શાળાઓ બંધ રહેશે.
૮. કોરોના અંગે કર્ણાટક સરકાર પણ એલર્ટ છે, અહીં જેને કોરોનાની પુષ્ટી થઇ છે તે કર્ણાટક પણ ગયો હતો. હવે રાજ્ય સરકારે આ કચેરીના ૨૦ લોકોનો સંપર્ક કર્યો છે જેઓ તેના સંપર્કમાં આવ્યો હતો. જે બસ અને વિમાનથી તેણે યાત્રા કરી છે તેમને પણ સંપર્ક કરાયો છે.
૯. દુનિયાભરમાં અત્યારસુધી કોરોના વાયરસના ૯૦,૦૦૦થી વધુ કેસો સામે આવ્યા છે જેમાંથી ૮૦,૦૦૦થી વધુ ચીનના છે. ચીનમાં કોરોનાથી અત્યારસુધી ૨૯૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં મોતને ભેટનારાઓની સંખ્યા છ થઇ ગઇ છે. આ તમામ મોત વોશિંગ્ટનમાં થયા છે.
૧૦. હરિયાણા પોલીસે તમામ એકમોને નિર્દેશ આપ્યા છે કે, તેઓ ફરજ પર કર્મીઓને સંભવિત સંક્રમણથી સુરક્ષિત રાખળા માટે માસ્ક, ગ્લવ્સ અને હેન્ડ સેનિટાઇઝર પૂરા પાડે. વધુ લોકોના સંપર્કમાં આવવાથી પણ બચવા જણાવાયું છે.

કોરોના વાયરસ : ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોને આપવામાં આવેલા ભારતીય વીઝા રદ કરાયા

કોરોના વાયરસને લઇને ભારતમાં પણ ભારે હાહાકાર મચી ગયો છે. દુનિયાભરમાં કોરોના વાયરસે આતંક મચાવ્યા બાદ ભારતમાં પણ ગઇકાલે બે પોઝિટિવ કેસ આવ્યા હતા. ત્યારબાદ આજે પણ નવા કેસ આવ્યા હોવાની આશંકા પ્રબળ બનેલી છે. દિલ્હીમાં જે શખ્સને કોરોના વાયરસ હતો તેના કારણે નોઇડા અને આગરામાં કોરોના વાયરસ હોવાની દહેશત પ્રવર્તી રહી છે. કેરળ બાદ દિલ્હી અને તેલંગાણામાં કોરોનાએ દહેશત ફેલાવી છે. નોઇડા બાદ આગરામાં પણ કોરોના વાયરસ હોવાનો ભય ફેલાઈ ગયો છે. ભારે દહેશત વચ્ચે સાવધાનીના પગલારુપે નોઇડાની સ્કુલોને બંધ કરવાની જાહેરાત કરાઈ છે. સાથે સાથે ચાર દેશોના નાગરિકોના વિઝા સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના નવા મામલા સપાટી ઉપર આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્યમંત્રાલય દ્વારા આજે એડવાઈઝરી જારી કરીને ત્રીજી માર્ચના દિવસે અથવા તો તે પહેલા ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા, જાપાનના એવા નાગરિકોને જારી નિયમિત વિઝા અથવા તો ઇ વિઝા સસ્પેન્ડ કરી દીધા છે જે લોકોએ હજુ સુધી ભારતમાં પ્રવેશ કર્યો નથી. સાથે સાથે વાતચીતમાં ત્રણ માર્ચ સુધી જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકોને જારી એરાઈવલ વિઝા પણ સસ્પેન્ડ કરી દીધા છે. જે લોકોએ હજુ સુધી ભારતમાં પ્રવેશ કર્યો નથી તે લોકોના વિઝા રદ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે લોકોની ભારતની યાત્રાને લઇને ગણતરી થઇ રહી છે તે હાલ યાત્રા ટાળી શકે છે. કેટલાક યાત્રીઓ યાત્રા ટાળી શકે તેવી સ્થિતિમાં નથી. આવા લોકોને ભારતીય દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.

વિદ્યાર્થીના પિતાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં નોઈડાની બે શાળાઓ બંધ કરવામાં આવી

નોઈડાના સેક્ટર ૧૩૫માં આવેલી શ્રીરામ મિલેનિયમ સ્કૂલ સહિત કુલ બે શાળાને બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રીરામ મિલેનિયમ સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા પણ મુલત્વી રાખવામાં આવી છે. શ્રીરામ મિલેનિયમ સ્કૂલમાં એક વિદ્યાર્થીના પિતામાં કોરોના વાઈરસનો પોઝીટીવ ટેસ્ટ આવતા આ શાળા સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવી છે. નામ નહીં આપવાની શરતે શાળાના એક સિનિયર અધિકારીએ આ બાબતની પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારા એક વિદ્યાર્થીના પિતાને કોરોના વાઈરસના પોઝીટીવ ટેસ્ટ આવ્યા છે. અમે સાવચેતીના તમામ પગલા ભર્યા છે અને સ્થિતિ પર ચાંપતી નજર રાખવા આરોગ્ય મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.અન્ય એક શાળાએ કહ્યું છે કે તેણે ૯ માર્ચ સુધી તાત્કાલિક અસરથી તેના વર્ગો બંધ કરી દીધા છે અને તેના સંકુલને જંતુમુક્ત (સેનિટાઈઝીંગ) કરવામાં આવશે. ગૌતમ બુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર અનુરાગ ભર્ગવે જણાવ્યું હતું કે શાળા એક દિવસ અથવા બે દિવસ માટે બંધ રાખવામાં આવશે. આ સમય દરમિયાન શાળાને જંતુરહિત કરવામાં આવશે.એક રૂમને જંતુમુક્ત કરવા ઓછામાં ઓછા એક કલાકનો સમય લાગે છે, અમારી મેડિકલ ટીમે આ અંગે શાળાને માહિતી આપી છે. બે બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. શાળાને દેખરેખ હેઠળ લેવામાં આવી છે. નોઈડામાં કુલ ૪૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. થોડા જ કલાકોમાં આ અંગેના અહેવાલ સામે આવ્યા છે. આ શાળાના અનેક બાળકોના કોરોનાથી પીડિત વ્યક્તિ દ્વારા એક બર્થડે પાર્ટીમાં ભાગ લીધો હતો. આ પાર્ટીમાં સામેલ તમામ લોકોને અલગ-થલગ કરવા કહેવામાં આવ્યું છે. નોઈડાના સીએમઓ અનુરાગ ભાર્ગવે કહ્યું કે એક પાર્ટીમાં પાંચ પરિવાર સામેલ હતા. બાદમાં પાર્ટીનું આયોજન કરનાર વાઈરસથી સંક્રમિત હોવાનું માલુમ પડ્યું હતું.