(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. શરૂઆતમાં જે રાજ્યોમાં કોરોના કેસો ઓછા હતા ત્યાં હવે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે અને બાકીના રાજ્યોમાં કોરોના અલગ અલગ જગ્યાઓ પર ફરી રહ્યો છેે.મહારાષ્ટ્ર બાદ કોરોનાનાં સૌથી વધુ કેસો તમિલનાડુમાં નોધાયા છે. ત્યારબાદ કર્ણાટક કોરોના કેસો મામલે ત્રીજા સ્થાને છે. જ્યારે દિલ્હી અને ગુજરાતમાં કોરોના કેસોમાં પહેલાં ઘટાડો નોધાયો હતો.ત્યારબાદ ત્યા પણ એક હજારથી વધુ રોજના કેસો આવવા લાગ્યા છે. હાલમાં યૂપી અને બિહારમાં કોરોના કેસો સૌથી વધુ મળી રહ્યા છેે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૫ લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૪૭,૭૦૩ કેસ નોંધાતા કુલ કેસ ૧૫,૧૪,૦૫૮ થઈ ગયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫,૧૭૫ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૯,૬૯,૩૩૬ સુધી પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૩૩,૮૩૦ સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં કોરોના વાયરસના ૫,૧૦,૪૭૦ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૩,૮૩,૭૨૩ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૩,૮૮૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૭,૬૮૮ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૩,૫૭૧ લોકાના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧,૩૧,૨૧૯ કેસ નોંધાયા છે જ્યારે ૩,૮૫૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્રપ્રદેશમાં ૧,૧૦,૨૯૭ કેસ નોંધાયા છે જ્યારે ૧,૦૯૦ લોકો મોતને ભેટ્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૧૦૭,૦૦૧ કેસ નોંધાયા છે જ્યારે ૧૯૫૩ લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ ૭૩,૯૫૧ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૬૦૮૩૦ કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. ૫૭૧૪૨ કેસ સાથે આઠમાં ક્રમ પર તેલંગાણા અને નવમાં ક્રમ પર ગુજરાત છે જ્યાં ૫૬૮૭૬ લોકો સંક્રમણમાં આવ્યા છે તેમાંથી ૨૩૪૮ લોકો મોતને ભેટી ચૂક્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે.