(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
દેશમાં બુલેટ ટ્રેન ભલે ન આવી હોય પરંતુ તેની ઝડપ કોરોના વાયરસનાં વધતાં જતા કેસોમાં દેખાય રહી છે. ભારતમાં કોરોના કેસોમાં બેફામ વધારો થઈ રહ્યો છે, હાલમાં ભારત સરકાર દેશમાં વિકાસનું એન્કાઉન્ટર કરીને વાહવાહી બટોરી રહી છે ત્યારે ચીની કોરોના વાયરસ દેશમાં ભયાનક રીતે ઉત્પાત મચાવી રહ્યો છે. કોરોનાનાં વધતા કેસો વચ્ચે રાજ્યોની બધી સરકારો અને કેન્દ્ર સરકાર ઘુંટણિયે આવી ગઈ છે. ભારતમાં કોરોના કેસો આઠ લાખને પાર થઈ ગયા છે અને હવે મોતનો આંકડો પણ ધીમે ધીમે વધી રહ્યો છે. ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૫૧૯ નવા મોત નોંધાયા છે. કેન્દ્ર સરકાર ભલે કહેતી હોય કે લોકડાઉનને કારણે વિશ્વ કરતાં ભારતમાં કોરોના કેસોની સંખ્યા ઓછી છે પરંતુ હાલની પરિસ્થિતિમાં બધા લોકડાઉન અને અનલોક નિષ્ફળ થતાં દેખાઈ રહ્યા છે. અનલોક-૨ની શરૂઆતને હજી ૧૦ દિવસ જ થયા છે અને કેસોની સંખ્યા આઠ લાખને પાર પહોંચી ચૂકી છે. શુક્રવારે કોરોના વાયરસે ભારતમાં હાહાકાર મચાવીને એક જ દિવસમાં ૨૭ હજાર કરતાં વધારે કેસો નોંધાયા છે,જે અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ છે. શનિવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૫૧૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ કેસો હવે આઠ લાખ ૨૦ હજાર ૯૧૬ થયા છે. સારવાર હેઠળના કેસો વધીને ૨,૮૩,૪૦૭ પર પહોંચ્યા છે. જ્યારે સારવાર લઇને સાજા થયેલા લોકોની સંખ્યા ૫,૧૫,૩૮૫ પર પહોંચી છે. જે સારવાર હેઠળના કેસો કરતાં લગભગ બમણાંની નજીક છે. કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૨,૧૨૩ સુધી પહોંચી ગઈ છે. ૨૪ કલાકમાં ૨૭,૧૧૪ કેસો નોંધાયા છે. ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે. કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા ત્રણ દિવસમાં એક લાખને પાર કરી ચૂકી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૨.૭૮ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૮૭૩ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨,૩૮,૪૬૧ કેસ નોંધાયા છે જ્યારે ૯,૮૯૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૦,૨૬૧ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧,૮૨૯ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧,૦૯,૧૪૦ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૪૦,૧૫૭ લોકો સંક્રમણમાં આવ્યા છે ૨૦૨૪ લોકોનાં મોત થયા છે.