(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. ભારતમાં કોવિડ-૧૯ થી છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ લોકોનાં મોત સહિત અત્યાર સુધી કુલ ૨૫૫ લોકોનાં મોત નીપજ્યાં છે અને કોરોના ચેપનો આંકડો ૮,૦૦૦ને પાર થઇ ગયો છે. કોરોના વાયરસ ડિસેમ્બરમાં ચીનમાં સર્વપ્રથમ શોધી કાઢવામાં આવ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધુ ૧૬૬૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસ અગાઉ માનવીઓમાં જોવામાં આવ્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો મંગળવારે અંત આવશે કે કેમ ? તેના વિશે પોતાના નિર્ણયની જાહેરાત કરવા માટે ફરી એક વાર રાષ્ટ્રને સંબોધન કરે તેવી સંભાવના છે.
મહત્વના ૧૦ મુદ્દા
૧. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો મૃત્યુઆંક એક લાખને પાર થઇ ગયો છે. જ્યારે આ જીવલેણ વાયરસના કુલ કેસોની સંખ્યા ૧૭ લાખને પાર થઇ ગઇ છે.
૨. દિલ્હીમાં કોવિડ-૧૯ના હોટસ્પોટ ગુરૂવારે ૨૫ હતા પરંતુ હવે આ હોટસ્પોટ વધીને ૩૦ થઇ ગયા છે. હોટસ્પોટ ખાતે લોકોના પોતાના ઘરેથી બહાર નીકળવા સામે સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને સખત કન્ટેઇનમેન્ટના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
૩. વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું કે કોરોના વાયરસ સામેની લડતમાં વધુ ટેસ્ટિંગ એક મહત્વનું પગલું છે. મુંબઇ જેવા શહેરોમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. વધુ ટેસ્ટિંગ કિટ્‌સ ખરીદવામાં આવી રહી છે અને ખાનગી લેબોરેટરીઝમાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
૪. શ્વસનની ગંભીર સમસ્યા ધરાવતા દર્દીઓના રેન્ડમ કોરોના ટેસ્ટ્‌સ દર્શાવે છે કે વિદેશ પ્રવાસનો ઇતિહાસ નહીં ધરાવતા અથવા વાયરસની ઝપટમાં આવેલા લોકો સાથે સંપર્ક નહીં ધરાવતા વધુને વધુ લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. આઇસીએમઆર દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી દર્શાવે છે કે આવા દર્દીઓ ૩૮ ટકા છે અને પ્રવાસનો ઇતિહાસ નહીં ધરાવતા આવા લોકોનો પછીથી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
૫. કોરોના વાયરસ સામે લડત માટેની નોડલ સંસ્થા આઇસીએમઆરે હોટસ્પોટ્‌સ તરીકે દિલ્હી અને અન્ય રાજ્યોમાં ઓળખી પાડવામાં આવેલા વિસ્તારોમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ વધારી દીધા છે. હોટસ્પોટ્‌સ સીલ કરી દેવામાં આવ્યા છે.
૬. આશરે ત્રણ સપ્તાહ સુધી કોરોના વાયરસ સંક્રમણ માટે માત્ર પાંચ કેટેગરીના લોકોના જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવે આઇસીએમઆરે વ્યૂહરચના સુધારી છે.
૭. મંગળવારે પુરૂં થનાર દેશવ્યાપી લોકડાઉન ઉઠાવી લેવા કે લંબાવવા કે કેમ ? તેના વિશે સરકાર વિચારણા કરી રહી હોવાથી ટેસ્ટનો દાયરો વધારવાનું નક્કી કરાયું છે.
૮. કોવિડ-૧૯ના કેસોની સંખ્યા વધી રહી હોવાથી ઘણા રાજ્યોએ લોકડાઉન લંબાવવાનું સૂચવ્યું છે પરંતુ લણણીની સીઝન અને અર્થતંત્રનું બમણું દબાણ છે. આ મહામારી માટે સીલ કરવામાં આવેલા હોટસ્પોટ્‌સને ધ્યાનમાં રાખીને લોકડાઉન તબક્કાવાર રીતે ઉઠાવવાના પણ સૂચનો કરવામાં આવ્યા છે.
૯. માનવ જાતિ માટે કોરોના વાયરસ સૌથી મોટો ખતરો છે. માનવ જાતિએ એક સદીથી પણ વધુ સમયમાં સામનો કરેલો આ સૌથી મોટો ખતરો છે. જીવન હંમેશ સમાન નહીં હોય. આપણે બધાએ આ વાત સમજવી જોઇએ અને સાથેમળીને દ્રઢરીતે આ મહામારીનો સામનો કરવો જોઇએ, એવું ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે જણાવ્યું હતું.
૧૦ . રાષ્ટ્રોના તબીબી નિષ્ણાતો કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યા છે. તેઓએ આક્રમક ટેસ્ટિંગના મહત્વ પર વારંવાર ભાર આપ્યો છે.