(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ૬૪૦૦ને પાર થઇ ગઇ છે. કોવિડ-૧૯ માટે કુલ ૬૪૧૨ લોકોના કરવામાં આવેલા ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાનું શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના કેસો બહાર આવ્યા છે અને છેલ્લા બે સપ્તાહમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપી વધારો થયો છે. દેશના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાનરીતે કોરોના વાયરસ ફેલાયો નથી. મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યો કોરોના વાયરસ માટે હોટસ્પોટ તરીકે બહાર આવ્યા છે. કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યાની દ્રષ્ટિએ આ પાંચ રાજ્યો કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત હોવાનું પ્રાપ્ત અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા ૧૨ કલાકમાં કોરોના વાયરસના ૫૪૭ નવા કેસો બહાર આવ્યા છે જ્યારે ૩૦ લોકોનાં મોત થયા છે. જો આ પાંચ રાજ્યોને એક સાથે જોડવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના ૫૯ ટકા કેસ અને ૬૪ ટકા મોત આ પાંચ રાજ્યોમાં થયા છે. જો કે, કોરોના વાયરસના દર્દીઓના સાજા થવાની સરેરાશ આ પાંચ રાજ્યોમાં કુલ ૪૫ ટકા છે. ભારતમાં સૌથી ખરાબ રીતે કોરોના વાયરસથી અસરગ્રસ્ત આ પાંચ રાજ્યોના આંકડા પર એક નજર
• મહારાષ્ટ્ર :- ભારતમાં કોરોના વાયરસ માટે સૌથી મોટા હોટસ્પોટ તરીકે સ્પષ્ટ રીતે મહારાષ્ટ્ર બહાર આવ્યું છે. શુક્રવારે સવારે ૮ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના કુલ ૧૩૬૪ કેસો નોંધાયા અને તેમાંથી ૧૨૫ દર્દીઓ સાજા થઇ ગયા છે. જોે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યામાં દેશમાં સૌથી વધુ હોવાની બાબત ભારે ચિંતાજનક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયા જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯નો અત્યાર સુધીનો મૃત્યુઆંક ૯૭ છે. દેશના કુલ મૃત્યુઆંકનો આ લગભગ ૪૯ ટકા છે.
• તમિલનાડુ :- મહારાષ્ટ્ર પછી દેશમાં કોવિડ-૧૯ના પોઝિટિવ કેસોની સૌથી વધુ સંખ્યા તમિલનાડુમાં છે. શુક્રવાર સવાર સુધીમાં તમિલનાડુમાં કોવિડ-૧૯ના ૮૩૪ કેસો નોંધાયા છે અને આ આંકડો ભારતના કુલ આંકડના ૧૩ ટકા છે. છેલ્લા એક સપ્તાહમાં મોટાભાગના કેસો નોંધાયા છે.
• દિલ્હી :- દેશમાં કોવિડ-૧૯ના કેસોની કુલ સંખ્યાની દ્રષ્ટિએ દિલ્હી ત્રીજું સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રાજ્ય છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના ૭૨૦ કેસ નોંધાયા છે, તેમાંથી ૨૫ દર્દીઓ સાજા થઇ ગયા છે અને ૧૨ લોકોનાં મોત થયા છે. દેશના કુલ મામલાઓમાં ૧૧ ટકા દિલ્હીના કેસો છે.
• રાજસ્થાન :- રાજસ્થાનમાં કોવિડ-૧૯ના કુલ ૪૬૩ કેસ નોંધાયા છે અને ભારતના કુલ કેસોની દ્રષ્ટિએ આ આંકડો ૭.૨ ટકા છે. દેશના અન્ય રાજ્યોની જેમ રાજસ્થાનમાં પણ છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજસ્થાન દેશના એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસનો પ્રથમ મામલો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં નોંધાયો હતો.
• તેલંગાણા :- દેશમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રાજ્યોમાં તેલંગાણા પાંચમાં ક્રમે છે. શુક્રવાર સવાર સુધીમાં તેલંગાણામાં કોરોના ૪૪૨ કેસોની પુષ્ટિ થઇ છે. તેમાંથી ૩૫ લોકો સાજા થયા છે.