(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત ૩૫૦ નવા કેસ આવતા દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો વધીને ૨૯૭૪ થઇ ગયો છે અને મૃત્યુઆંક વધીને ૭૭ થઇ ગયો છે. કોરોના વાયરસથી સંક્રમિત કુલ ૧૫૭ લોકો સારવાર દરમિયાન સાજા થઇ ગયા હોવાથી હોસ્પિટલોમાંથી તેમને રજા આપી દેવામાં આવી છે. દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન શરૂ થયું ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજીવાર આજે સવારે ૯ વાગે વીડિયો મેસેજ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ૫૫,૭૧૯લોકોને ભરખી ગયો છે અને કોવિડ-૧૯ના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦ લાખને પાર થઇ ગઇ છે. વર્લ્ડ બેંકે કોરોના વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે ભારત માટે એક અબજ ડોલરની ઇમરજન્સી સહાય મંજૂર કરી છે. વર્લ્ડ બેંકે આ મહામારીની અર્થતંત્રો પર ભારે અસર થવાની વિશ્વને ચેતવણી આપી છે.
મહત્વના ૧૦ મુદ્દા
૧. એશિયાની સૌથી વિશાળ ઝુંપડપટ્ટી મુંબઇના ધારાવીના ૩૫ વર્ષીય ડોક્ટરનો કોવિડ-૧૯નો ટેસ્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો છે. ધારાવીમાં કોરોના વાયરસના સંક્રમણનો આ ત્રીજો કેસ છે. કોરોના વાયરસના હોટ્‌સ્પોટનો ભય વધી રહ્યો છે. પાંચ ચોરસ કિલોમીટરની આ ઝુંપડપટ્ટીમાં ૧૦ લાખથી વધુ લોકો રહે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાતા કોરોના વાયરસને ફેલાતા અટકાવવા માટે ધારાવીની ગંદી શેરીઓ, કોમ્યુનિટી ટોઇલેટ અને ગીચ ઝુંપડાઓ મોટા પડકારો છે.
૨. દિલ્હીની પ્રતિષ્ઠીત એઇમ્સના એક રેસિડેન્ટ ડોક્ટરનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ રેસિડેન્ટ ડોક્ટરની પત્ની પણ ડોક્ટર છે અને સગર્ભા છે. તેના પુરા દિવસ ચાલી રહ્યા છે પરંતુ ડોક્ટરની પત્નીનો કોરોના વાયરસનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમનો બંનેનો કોઇ ટ્રાવેલ ઇતિહાસ નથી. અત્યાર સુધી દિલ્હીના સાત ડોક્ટરોના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેમનામાંથી બે ડોક્ટરો દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપે છે.
૩. શુક્રવારે સવારે ૯ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો મેસેજ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ફરી એક વાર દેશવાસીઓને લોકડાઉન દરમિયાન પોતાના ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે. તેમણે એવું પણ કહ્યું કે કોરોના વાયરસની ચેન તોડવાનો એક માત્ર માર્ગ સામાજિક અંતર જાળવવાનો છે.
૪. કોરોના વાયરસથી મહારાષ્ટ્ર, કેરળ, તમિળનાડુ અને દિલ્હી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૩૩૫, તમિળનાડુમાં ૩૦૯, કેરળમાં ૨૮૬ અને દિલ્હીમાં ૨૧૯ કેસોની પુષ્ટિ થઇ છે. આ ચાર રાજ્યોમાં કોરોના વાયરસથી કુલ ૨૯ લોકો માર્યા ગયા છે. મહારાષ્ટ્રમોે કુલ ૨૧ લોકોમાર્યા ગયા છે. દિલ્હીના તબ્લીગી મરકઝને કોરોના વાયરસનો હોટસ્પોટ ગણાવવામાં આવ્યો છે.
૫. વર્લ્ડ બેંકે ૨૫ દેશો માટે ૧.૯ અબજ ડોલરની મંજૂરી આપી છે. તેમાંથી મોટો ભાગ એટલે કે ૧ અબજ ડોલર ભારત આવશે.
૬. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી.
૭. લોકડાઉનનો ભંગ કરનારાઓ કે અધિકારીઓને તેમની કામગીરી કરતા અટકાવનારાઓ સામે આકરી કાર્યવાહી કરવાના રાજ્યોને આદેશો આપવામાં આવ્યા છે. આવા લોકોને એક કે બે વર્ષ માટે જેલ ભેગા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યા છે.
૮. આઘાતજનક વીડિયો મધ્યપ્રદેશના ઇન્દોરથી આવ્યો છે. ઇન્દોરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર હિંસક ટોળા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે.
૯. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૦ લાખને પાર થઇ ગઇ છે અને મૃત્યુઆંક ૫૦ હજારથી પણ વધી ગયો છે. અમેરિકામાં આશરે ૬ હજાર લોકો માર્યા ગયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં એક હજાર લોકોને કોરોના વાયરસ ભરખીગયો છે.
૧૦. કોરોના વાયરસના ટેસ્ટ કરનારી સરકારની નોડલ સંસ્થા આઇસીએમઆરે ફાસ્ટ-ટ્રેક રેપિડ એન્ટિ બોડી ટેસ્ટની ભલામણ કરી છે. એન્ટિ બોડી ટેસ્ટ બ્લડ ટેસ્ટ જેવો જ છે અને તના પરિણામો ૩૦ મિનિટમાં આવી જાય છે.