નવી દિલ્હી,તા.૩૧
ભારતમાં કોરોના વાયરસ સામેની લડાઇમાં દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉનમાં આજે સાતમાં દિવસે પણ આ મહામારીના નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારના એક ધાર્મિક કાર્યક્રમમાં વર્તમાન મહામારીની વચ્ચે મોટી સંખ્યામાં લોકોની હાજરીને લઇને અને તેના કારણે કોરોનાના કેસો વધવાની શક્યતા સાથે અલગથી વિવાદ અને રાજકારણ શરૂ થયું છે. દરમ્યાનમાં, અલગ અલગ રાજ્યોના મળીને અત્યાર સુધીમાં કુલ ૧૪૧૯ કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે મરનારાઓની સંખ્યા ૪૧ પર પહોંચી ગઇ છે. આજે મધ્યપ્રદેશમાં ૧૯, મહારાષ્ટ્ર-યુપીમાં ૫-૫ અને રાજસ્થાનમાં ૪ અને ગુજરાતમાં ૨ નવા સંક્રમિત કેસો બહાર આવ્યાં હતા. કોરોના મહામારી વચ્ચે આ કાર્યક્રમની મંજૂરીને લઇને વિવાદ શરૂ થયો છે. દિલ્હી મોહલ્લા ક્લિનીકના વધુ એક ડોક્ટરનો કોવિડ-૧૯ કેસ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજસ્થાનના જેસલમેરમાં આર્મીના ક્વોરન્ટાઈનની સુવિધામાં રહેલા નવ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકો થોડા સમય પહેલા ઈરાનથી પાછા આવ્યા હતા. પંજાબમાં પણ ૬પ વર્ષીય વૃદ્ધ દર્દીનું મોત થયું હતું.
સૂત્રોએ કહ્યું કે, મંગળવાર સવારે એક મહિલા અને એક વૃદ્ધનું મોત થયું છે. કેરળના તિરુવનંતપુરમમાં કોરોના પોઝિટિવ ૬૮ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મેડિકલ કોલેજના અધિકારીના જણાવ્યા પ્રમાણે, તેમની કિડની ફેઈલ થઈ ચુકી હતી. કોરોના વાયરસ સંક્રમણના સોમવારે સૌથી વધારે ૨૦૮ કેસ સામે આવ્યા હતા. સંક્રમણના કારણે અત્યાર સુધી ૪૭ લોકોનાં મોત થયા છે. તો બીજી બાજું મુંબઈમાં સલમાન ખાનના ૩૮ વર્ષીય ભત્રીજા અબ્દુલ્લા ખાન ઉર્ફ અબાનું સોમવારે મોત થયું છે. તે ઈન્દોરના ખાન કમ્પાઉન્ડમાં રહેતો હતો. અબ્દુલ્લાને રવિવારે મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાયો હતો. શ્વાસ લેવામાં મુશ્કેલી થવા પર સાંજે વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે.
સોમવારે સૌથી વધારે દર્દી વધ્યા તો સૌથી વધારે સ્વસ્થ પણ થયા હતા. સૌથી વધારે લોકોનાં મોત પણ થયા હતા. દેશભરમાં ગઈકાલે ૩૫ લોકોને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. આ પહેલા ૨૭ માર્ચે ૨૫ લોકો સ્વસ્થ થયા હતા. અત્યાર સુધી ૧૩૭ દર્દીઓનો સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
રાજ્યોની સ્થિતિ પર નજર નાંખીએ તો, મહારાષ્ટ્રમાં છેલ્લા આઠ દિવસોથી કર્ફ્યૂ લાગેલો છે. તેમ છતા તેની સ્થિતિ નિયંત્રિત થઈ શકતી નથી. મંગળવાર સવારે સંક્રમણના પાંચ નવા કેસ સામે આવ્યા હતા. જેમાં એક મુંબઈમાં, બે પૂણે અને બુલઢાનાના કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૨૫ સુધી પહોંચી ગઈ છે. સાથે જ રાજ્યમાં સંક્રમણથી ૧૦ લોકોના મોત થયા હતા.
રાજસ્થાનમાં તમામ પ્રયાસો બાદ પણ સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે. અહીંયા છેલ્લા ૧૨ કલાકમાં ૧૩ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી ચાર કેસ મંગળવારે સામે આવ્યા. જેમાંથી દુબઈથી ઝુંઝુનૂ પાછો આવેલો એક ૪૪ વર્ષીય વ્યક્તિ, અજમેરમાં પંજાબથી પાછા ફરેલા યુવકનું ૧૭ વર્ષની બહેન, ડુંગરપુરમાં સંક્રમિત મળ્યા યુવકના ૬૫ વર્ષીય પિતા અને જયપુરમાં ૬૦ વર્ષના વૃદ્ધ છે. રાજ્યમાં અત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા ૮૩ પહોંચી ગઈ છે. સાથે જ સંક્રમણના કારણે બે લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. રાજસ્થાનના ભીલવાડા શહેરમાં કોરોનાના કારણે મોટી આપત્તિને રોકવા સરકારે ૩ એપ્રિલથી ભીલવાડામાં કર્ફ્યુ નાંખવાની જાહેરાત થઇ છે.
મધ્યપ્રદેશમાં કુલ સંક્રમિત-૪૭ અહીંયા સોમવારે ૮ નવા કેસ સામે આવ્યા હતા. ઈન્દોરમાં ૭ અને ઉજ્જૈનમાં ૧ સંક્રમિત મળી આવ્યો હતો. ઈન્દોરમાં સંક્રમિતોની સંખ્યા ૨૭ થઈ ગઈ છે. આ મહામારીને ધ્યાનમાં રાખતા જેલમાં ભીડ ઓછી કરાઈ રહી છે. રાજ્ય સરકાર લગભગ ૮ હજાર કેદીઓને પેરોલ પર વચગાળાના જામીન પર છોડશે. પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પાંચ હજાર સજા પામેલા કેદીઓને ૬૦ દિવસ માટે પેરોલ આપવામાં આવી રહ્યા છે. જ્યારે ૫ વર્ષની સજાની જોગવાઈ વાળા વિચારણા બાદ લગભગ ૩ હજાર કેદીઓને ૪૫ દિવસના વચગાળાના જામીન આપવામાં આવી રહ્યા છે.
ઉત્તરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૯૬ થઈ ગઈ છે. સોમવારે અહીંયા ૨૪ નવા કેસ સામે આવ્યા હતા. સૌથી વધારે ૩૬ કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધ નગરમાં મળ્યા હતા. ત્યારબાદ મેરઠમાં(૧૩)છે. દિલ્હીમાં કુલ સંક્રમિત આજે પણ નવા ૨૫ કેસ સામે આવ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સામાનની સપ્લાઈ અને ઉપલબ્ધતાની સમીક્ષા કરી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૫૦ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી, પરંતુ સારા સમાચાર છે કે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજસ્થાનમાં કોરોનાના કુલ સંક્રમિત કેસો ૭૯ છે. રાજ્યમાં સંક્રમણના સોમવારે ૧૦ નવા કેસ સામે આવ્યા, જેમાંથી જયપુરમાં ૨, ભીલવાડામાં ૧ અને જોધપુરમાં ૭ દર્દી મળ્યા. રવિવારે રાતે અજમેરમાં પણ ૩ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત કેસો સમગ્ર ભારતમાં સૌથી વધારે ૨૩૮ છે. સોમવારે મોડી રાત્રે ૩૫ નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા સૌથી વધારે ૭૫ દર્દી મુંબઈમાં છે. આ ઉપરાંત પૂણેમાં ૪૨, સાંઘલીમાં ૨૫ અને નાગપુરમાં ૧૨ દર્દી છે. રાજ્યમાં અત્યાર સુધી ૩૯ દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે.