(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
ભારતમાં શનિવારે કોરોના વાયરસના કેસો વધીને ૨૮૩ થઇ ગયા છે જેમાં મોતને ભેટેલા ચારનો પણ સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વૈશ્વિક રોગચાળામાં ભારતમાં પ્રથમ ૪૭ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમાંથી ચાર લોકો મૃત્યુ પામ્યા છે. રવિવારે સવારે સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી એક દિવસના જનતા કર્ફ્યુથી લોકો બંધાયેલા હોવાથી આને વિશાળ લોકડાઉન તરીકે જોઇ રહ્યા છે અને જો વાયરસનો પ્રકોપ વધુ ફેલાય તો વધુ લોકડાઉન કરી શકાય છે. વિદેશથી આવ્યા બાદ સિંગર કનિકા કપૂરે પાર્ટી આપી હતી જેમાં સાંસદ દુષ્યંત સિંહનો કેસ પોઝિટિવ આવ્યો હતો. બેદરકારી બદલ પોલીસે કનિકા કપૂર સામે ફરિયાદ દાખલ કરી છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ભારતીય રેલવેએ જણાવ્યું છે કે, ૧૩મી માર્ચે આંધ્રપ્રદેશ સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં મુસાફરી કરનારા આઠ સહિત કુલ ૧૩ લોકોને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રેલવેએ કહ્યું કે આ કપલ બેંગલુરૂ-દિલ્હી રાજધાની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું હતું જ્યાં પતિના હાથમાં ક્વોરન્ટાઇન સીલ દેખાયું હતું.
૨. ભારતીય રેલવેએ ટિ્‌વટમાં કહ્યું છે કે, ટ્રેનોમાં કોરોના વાયરસ ઇન્ફેકટેડ કેટલાક કેસો રેલવેના ધ્યાનમાં આવ્યા છે જેના કારણે પ્રવાસ જોખમી બન્યું છે. તમારા સાથી પ્રવાસીને કોરોના વાયરસ હોય તો તમને ચેપ ના લાગે તે માટે ટ્રેનનો પ્રવાસ ટાળો.
૩. મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટિવ ૬૩ કેસ મળી આવ્યા છે જેમાં ત્રણ વિદેશી છે. સ્વાસ્થ્ય મંત્રીઅ રાજેશ ટોપેએ ફરીવાર અપીલ કરી છે કે, ચેપને રોકવા માટે જાહેર પરિવહન ટાળો અને ઓફિસો તથા દુકાનો બંધ રાખવાનો પહેલાથી જ આદેશ આપ્યો છે જેની સામે આકરા પગલાંની ચેતવણી આપી છે.
૪. દિલ્હીના નોઇડામાં વધુ એક વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઇ ગઇ છે. જિલ્લા વહીવટી તંત્રે તેની રહેણાંક સોસાયટીને સીલ કરી છે જ્યાં હજારો લોકો રહે છે.
૫. ભારતમાં ૨૮૩ કેસોમાંથી ૩૯ વિદેશી છે જેમાં ઇટાલીના ૧૭, ફિલીપીન્સના ત્રણ, યુકેના બે, કેનેડા-ઇન્ડોનેશિયા અને સિંગાપુરના એક-એક લોકોનો સમાવેશ થાય છે. ભારતમાં અત્યારસુધી ૨૩ લોકો આ સંક્રમણમાંથી બહાર આવી ગયા છે.
૬. રવિવારથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો પર એક અઠવાડિયાના પ્રતિબંધ અંગે એર ઇન્ડિયાએ કહ્યું કે, રોમમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે તેણે ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન મોકલ્યું છે.
૭. કેરળમાં આશરે ૪૦ લોકોને ચેપ લાગ્યો છે જેમાં સાત વિદેશી નાગરિકો છે. દિલ્હીમાં ૨૬ પોઝિટિવ કેસ છે જ્યાં એક વિદેશી છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં ૨૪ કેસો નોંધાયા છે અને તેમાં એક વિદેશી છે.
૮. કર્ણાટકમાં ૧૫ કોરોના વાયરસના દર્દી છે. લદ્દાખમાં કોરોનાના કેસો વધીને ૧૩ થયા છે અને જમ્મુ તથા કાશ્મીરમાં ચાર કેસો નોંધાયા છે. તેલંગાણામાં ૧૯ કેસ નોંધાયા છે જેમાં ૧૧ વિદેશી છે, રાજસ્થાનમાં ૧૭ કેસોમાં બે વિદેશી છે જ્યારે ગુજરાતમાં કુલ ૧૩ કેસ નોંધાયા છે.
૯. હરિયાણાના કુલ ૧૭ કેસમાં ૧૪ વિદેશી છે, પંજાબમાં ૧૩ કેસો છે,તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં ત્રણ-ત્રણ કેસો નોંધાયા છે. ઓરિસ્સા અને હિમાચલ પ્રદેશમાં બે-બે કેસ જ્યારે પુડુચેરી, છત્તીસગઢ અને ચંદીગઢમાં એક-એક કેસ નોંધાયા હતા.
૧૦. કનિકા કપૂરની પાર્ટીમાંથી આવેલા ભાજપના સાંસદ દુષ્યંત સિંહનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરકારી પગલાંના ભાગરૂપે તમામ નિમણૂંકો રદ કરી છે.