(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દેશમાં અનલોક-૨ના પાંચમા દિવસે રવિવારે કોરોનાના ફરીથી ૨૪ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા.તે અગાઉ શનિવારે સૌથી વધારે ૨૫ હજારની નજીક ૨૪,૮૫૦ કેસો નોંધાયા હતા. તો રવિવારે પણ ૨૪,૨૪૮ જેટલા કેસો નોંધાયા હતા.આમ સતત બીજા દિવસે કેસનો આંકડો ૨૪ હજાર પર સ્થિર થયો હોય તેમ જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૮૨૬ દર્દી સાજા થયા છે, જ્યારે ૪૨૫ લોકોના મોત થયા છે. દરરોજ લગભગ ૨૪ હજાર દર્દી વધી રહ્યા છે, તે જોતાં એવા અનુમાનો વ્યક્ત થઇ રહ્યાં છે કે જો આ જ રીતે કેસો વધશે તો ઓગસ્ટમાં દરરોજ એક લાખ કેસ આવી શકે. અલબત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટેના અનેકવિધ પગલાં લેવાઇ રહ્યાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રવિવારના કેસો સાથે વધીને સાત લાખ ૧૪ હજાર ૦૧૩ થઈ ગઈ છે. દરરોજ આવી રહેલા કેસની સંખ્યા ૨૩ દિવસમાં બમણી થઈ રહી છે. જો આ જ ગતિએ કેસો વધશે તો મહિનાના અંત સુધી ૫૦ હજાર અને આગામી મહિનાના ત્રીજા સપ્તાહમાં એક લાખ દર્દી પ્રતિદિવસ વધી શકે.મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬,૫૫૫ કેસ આવ્યા છે. ભારતમાં કોરોના વાઈરસના કેસ રવિવારે રશિયા કરતા વધી ગયા છે. અહીંયા ૭.૦૧ લાખથી વધુ દર્દી થઈ ગયા છે, જ્યારે રશિયામાં ૬.૮૧ લાખ દર્દી છે. આ સાથે ભારત દુનિયામાં ત્રીજો સૌથી સંક્રમિત દેશ બની ગયો છે. જોકે,એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૮૦ ટકા સુધી પહોંચી ગયો છે.આ સાથે જ આ આંકડો વધીને ૪,૩૬,૦૯૬ સુધી પહોંચી ગયો છેે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૦,૧૦૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવારની સાંજ સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૨,૫૭,૭૩૪ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨,૧૧,૯૮૭ કેસ નોંધાયા છે. જ્યારે ૯૦૨૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૪,૯૭૮ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૫૭૧ લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧,૦૦,૮૩૦ કેસ નોંધાયા છે જ્યારે ૩૧૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૧ જુલાઈએ, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા ૬૦૫,૨૨૧ હતી. તે દિવસે ૧૯ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. આ પછી, ૨ જુલાઈના રોજ, લગભગ ૨૨ હજાર કેસ, ૩ જુલાઈના રોજ ૨૨,૭૧૮ કેસ, ૪ જુલાઈએ, ૨૪,૦૧૮ કેસ, ૫ જુલાઈએ, ૨૩,૯૪૧ કેસ, અને ૬ જુલાઈએ અત્યાર સુધીમાં ૨,૮૮૮ કેસ, કુલ દર્દીઓની સંખ્યા સાત લાખની નજીક પહોચી ગઈ છે. એટલે કે, ફક્ત ૬ દિવસમાં, કોરોનાના એક લાખ નવા કેસ આવ્યા. જો આ તીવ્ર ગતિએ કોરોના ફેલાતો રહ્યો, તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની જશે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ૧૦થી ૧૮ જુલાઈ સુધી ફરી લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.અહીંયા ઔરંગાબાદમાં દર્દીઓની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે.આ જ કારણે અહીંયા ૧૦ થી ૧૮ જુલાઈ સુધી ફરી લોકડાઉન લાગુ કરાયું છે. જિલ્લા અધિકારીએ જણાવ્યુ કે, લોકડાઉનમાં માત્ર જરૂરી સેવાની પરવાનગી આપવામાં આવશેે. લોકડાઉનનુ સખ્તાઈથી પાલન કરવામાં આવશે. આ સમયમાં ઉદ્યોગો બંધ રહેશે પરંતુ દવા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને ચાલુ રાખવા અલગ રણનિતી બનાવવામાં આવશે. દુધની દુકાનો ખુલ્લી રહશે સાથે પેટ્રોલ પંપો નિયત સમય પર ખુલ્લો રહશે.