(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
દેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર ચાલી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી ૧૩,૦૩૦ પોઝિટિવ કેસ આવી ચુક્યા છે અને તેમાંથી ૧૬૩૯ લોકો ઠીક થયા હોવાથી તેમને હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસનો કુલ મૃત્યુઆંક વધીને ૪૩૨ થયો હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે. લોકડાઉનના બીજા તબક્કાનો આજે બીજો દિવસ છે પરંતુ મહારાષ્ટ્રમાં ૧૬૫, ગુજરાતમાં ૧૦૫, મધ્ય પ્રદેશમાં ૪૨, રાજસ્થાનમાં ૨૫, ઉત્તરપ્રદેશમાં ૧૯ અને પશ્ચિમ બંગાળમાં કોરોનાનાં ૧૮ દર્દીઓ મળી આવતા હજુ પણ કોરોનાનો ખતરો દેશ પર યથાવત છે. ભારતમાં ૩ મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. કેટલાક લોકો લોકડાઉનને જ કરફ્યુ કહી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે લોકડાઉન અને કરફ્યુ વચ્ચે અંતર છે. ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદમાં ૪૯૨ કોરોનાનાં કેસ નોંધાયા છે.
દરમિયાન ઉત્તરપ્રદેશના બાગપતમાં ગુરૂવારે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર એરફોર્સના ચિત્તા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. હેલિકોપ્ટર લેહથી કોરોનાની તપાસના સેમ્પલ લઈને ચંદીગઢ જઈ રહ્યું હતું. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. સૂચના મળતાની સાથે જ હિંડનથી એન્જિનીયર્સ પહોંચ્યા હતા. લગભગ અડધા કલાક બાદ હેલિકોપ્ટર પાછું હિંડન માટે રવાના થઈ ગયું હતું.