(એજન્સી)નવી દિલ્હી,તા.૧૮
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૨૭ લાખ ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૫૫૦૭૯ કેસ નોંધાતા કુલ કેસ ૨૭,૩૨,૨૧૮ થઈ ગયા છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૯૩૭ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૦,૦૫,૨૧૫ સુધી પહોંચી ગયો છે એટલે કુલ કેસમાંથી ૭૩.૧૮ ટકા દર્દી રિકવર થઇ ચૂકયા છે.મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક એવા રાજ્ય છે જ્યાં રિકવરી રેટ હજુ બાકી જગ્યા કરતા ઓછો છે. દિલ્હીનો રિકવરી રેટ સૌથી સારો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૮૭૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૨,૨૮૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૬,૭૪,૨૧૫ એક્ટિવ કેસ છે.
ભારતે છેલ્લાં ૨૪ કલાકમાં રેરોક્ડ ૮.૯૭ લાખ પરિક્ષણ કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં કોવિડ ટેસ્ટિંગ લેબ્સની સંખ્યા વધીને ૧૪૭૬ થઇ ગઇ છે. તેમાંથી ૯૭૧ સરકારી લેબ્સ છે જ્યારે ૫૦૫ પ્રાઇવેટ લેબ્સ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના ૩,૦૯,૪૧,૨૬૪ ટેસ્ટ થઇ ચૂકયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૨૧૧૧૨૪૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૭૭૮૫૦૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૪૮૪૮૪૪૭ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૨૧૮૯૯૦ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.