(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
જવાહરલાલ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇની વિદ્યાર્થી પાંખ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફેડરેશનના નેતા કનૈયા કુમારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કનૈયા કુમારે ભારતની શૈક્ષણિક સંસ્થાઓ અંગે બોલતા કહ્યું હતું કે, સંસ્થાઓને ચૂપ રહેવા કહી દેવાય છે. તેમણે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી પ્રાઇવેટ એકમોને તેમને હસ્તગત કરવાનો સરકારનો ઇરાદો છે. આ બાબત તમામ નાગરિકોને શિક્ષણના અધિકારને મોટી અસર કરશે. સામાન્ય રીતે લોકો કરવેરો ભરે છે અને સરકાર તેમને સ્વાસ્થ્ય સુવિધા, શિક્ષણ અને પરિવહન પુરૂ પાડે પણ સરકાર બધાનું ખાનગીકરણ કરવા માગે છે અને પોતાની તમામ ફરજોમાંથી હાથ ખંખેરવા માગે છે. કનૈયાકુમારે કહ્યું કે, તમે તમારો મત આપો છો અને સરકાર પસંદ કરો છો, સરકાર એક રાષ્ટ્ર એક કરવેરા અંગે વાત કરે છે પણ એક રાષ્ટ્ર એક શિક્ષણની વાતનો ઉલ્લેખ કરતી નથી, સરકાર પોતાના સૂત્રને ઊંધો કરવા માગે છે. ‘‘રાષ્ટ્રપતિ કી હો યા ચપરાસી કી સંતાન, કબકો શિક્ષા કા અધિકાર એક સમાન’’. જ્યારે જેએનયુ જેવી સંસ્થાઓમાં દેખાવો અને કરદાતાઓના નાણાનો વ્યયની વાત કરતા તેમણે કહ્યું કે, આપણે બધા ટેક્ષ ભરીએ છીએ અને તેમની પાસેથી સેવા મેળવીએ છીએ. સંસ્થાઓ કરવેરા પણ ચાલે છે અને સંસદ પણ. અમે ટેક્ષ પર અભ્યાસ કર્યો છે અને સામાન્ય વ્યક્તિ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેને બહાર લાવવાની જવાબદારી વિદ્યાર્થીઓની છે.લોકોના કલ્યાણ માટે અવાજ ઉઠાવવામાં કાંઇ ખોટું નથી. આપણા દેશમાં યુનિવર્સિટીઓને વેચી દેવામાં આવે છે. ખાસ સમુદાયના લોકોને નિશાન બનાવાય છે. હાસિયામાં ધકેલાયેલા લોકો વધુ સહન કરી રહ્યા છે. ખેડૂતોને તેમનો હક મળતો નથી અને આત્મહત્યા કરે છે. બીજી તરફ સંસદ સભ્યો પેન્શન પણ મેળવે છે અને ભોજન માટેના ૧૫ રૂપિયા પણ મેળવે છે.