(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલન મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ મડાગાંઠનો એકમાત્ર ઉકેલ ત્રણેય કાયદાઓ રદ કરીનેજ થાય. ત્રણ કાયદા લાવીને ભારતીય કૃષિ ક્ષેત્રને બરબાદ કરવાનો સરકાર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ એક પુસ્તક બહાર પાડીને કાયદાઓની વરવી વાસ્તવિકતાઓ દર્શાવી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારતમાં ત્રાસદી બહાર આવી રહી છે.સરકાર આ મુદ્દાની અવગણના કરી રહી છે અને દેશને ગેરમાર્ગે દોરી રહી છે. હું માત્ર ખેડૂતો માટે બોલવા જઇ રહ્યો નથી તે તો માત્ર આ દુર્દશાનો એક ભાગ છે. આ યુવાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. આ માત્ર વર્તમાન માટે જ નહીં પરંતુ ભવિષ્ય માટે પણ મહત્વનું છે. એપીએમસીને કારણે તમને સસ્તું અનાજ મળી શકે છે, આ ખેડૂતો પર જ હુમલો નથી પરંતુ મધ્યમવર્ગ અને દેશને એવા દરેક યુવા પર હુમલો છે જે રોજગાર માગી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવા જ પડશે કારણ કે નવા કૃષિકાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટોણો મારતા કહ્યું કે ખેડૂતો પીએમ મોદી કરતા વધારે સમજદાર છે અને સરકાર ભ્રમમાં ન રહે કે ખેડૂતો થાકી જશે. રાહુલ ગાંધીએ ફરીવાર કહ્યું કે દેશને માત્ર ૩-૪ ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યા છે તથા કૃષિ કાયદાથી દેશની ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે. ખેડૂતો દેશની સામાન્ય જનતાની લડાઈ લડી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાઓને આખો દેશ જોઈ રહ્યો છે પણ સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે.
રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોફરેન્સ કરીને કહ્યું કે ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી નાંખશે અને હું તેનો વિરોધ કરતો જ રહીશ. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી એક એક તબક્કામાં ખેડૂતોને ખતમ કરવાના કામમાં લાગેલા છે. આ લોકો માત્ર ત્રણ કાયદા સુધી નહીં રોકાય પણ અંતમાં ખેડૂતોને ખતમ કરવા માંગે છે જેથી દેશમાં ખેતી માત્રને માત્ર ત્રણ ચાર મિત્રોના હાથમાં જ રહી જાય. રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ ભલે વિરોધમાં જતો રહે પણ સત્ય માટે હંમેશા લડતો રહીશ. હું નરેન્દ્ર મોદી અને ભાજપથી ડરતો નથી. અને આ લોકો મને હાથ નહીં લગાવી શકતા પણ ગોળી મરાવી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો ખેડૂતોને થકાવી દેવા માંગે છે પણ તે લોકો યાદ રાખે કે ખેડૂતો થાકવાના નથી.
‘ભારતમાં ત્રાસદી બહાર આવી રહી છે’ : કૃષિ કાયદાઓના આંદોલન અંગે રાહુલ ગાંધી

Recent Comments