(એજન્સી) નવી દિલ્હી, તા.૨ર
ભારતનાં વેક્સિનેશન કાર્યક્રમ વચ્ચે છેલ્લા થોડાક દિવસમાં કોરોના સંક્રમિત કેસોમાં આંશિક વધારો પણ જોવા મળ્યો છે શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૫૪૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૬૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૬,૨૫,૪૨૮ થઈ ગઈ છે. પરીક્ષણ મોરચે પણ ભારતમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલા વિસ્તરણના પરિણામે ભારતમાં વૈશ્વિક મહામારી સામેની જંગને ખૂબ જ વેગ મળ્યો છે. ભારતમાં કુલ પરીક્ષણોનો આંકડો ૧૯ કરોડ કરતાં વધુ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮,૦૦,૨૪૨ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યા વધીને ૧૯,૦૧,૪૮,૦૨૪ થઇ ગઇ છે. સઘન અને વ્યાપક સંખ્યામાં પરીક્ષણોના કારણે પોઝિટીવિટી દરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. આજે એકંદરે પોઝિટીવિટી દર ઘટીને ૫.૫૯ ટકા નોંધાયો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સતત જળવાઇ રહેલા વલણના કારણે ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા ઘટીને ૧.૭૮ ટકા થઇ ગઇ છે. ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ હાલમાં ૧,૮૮,૬૮૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૮,૦૦૨ કેસ સાજા થયા હોવાનું નોંધાયું છે. આના કારણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં ૩,૬૨૦ દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.