(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતમાં મહિલાઓના ઓછા આદર માટે વિદેશી કાયદાને જવાબદાર ઠરાવીને શ્રોતાઓને ચોંકાવી દીધા છે. કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ૩૦માં કોન્વોકેશનને સંબોધતા તેમણે જણાવ્યું કે ભારતની વસતીમાં મહિલાઓ આશરે ૫૦ ટકા છે અને તેમને સમ્માન આપવું જોઇએ. ભારતીયો પોતાના દેશને ‘ભારત માતા’ કહે છે. તેમણે એવું પણ જણાવ્યું કે ગંગા, યમુના, ગોદાવરી જેવી આપણી મોટાભાગની નદીઓના નામ મહિલાઓ પરથી છે. જ્ઞાન માટે સરસ્વતી માતા છે, સંરક્ષણ માટે દુર્ગા માતા અને નાણા માટે લક્ષ્મી માતા છે. વેંકૈયાએ કહ્યું કે આપણી આ પરંપરાઓ હોવાછતાં સમાજમાં હવે મહિલાઓને જેવી રીતે જોવામાં આવે છે, તે વખોડવાપાત્ર છે. આ શરમજનક બાબત છે અને તેને વખોડવું જોઇએ.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની બાળા આસિફા પર વારંવાર સામુહિક બળાત્કાર ગુજારીને તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવીે. આસિફાના બળાત્કારીઓ અને હત્યારાઓનું સમર્થન કરતા દેખાવમાં કાશ્મીરના ભાજપના બે પ્રધાનોએ ભાગ લીધો અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા પર ભાજપના ધારાસભ્યે બળાત્કાર ગુજાર્યો અને પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં ભારે માર મારીને હત્યા કરવા બદલ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધી રહેલી ટીકાઓ વચ્ચે દેશના ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા ભાજપના વરિષ્ઠ નેતા રહેલા નાયડુ દ્વારા ઉપરોક્ત ટિપ્પણીઓ કરવામાં આવી છે.