(એજન્સી) તા.૧૦
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા પોતાના પ્રિઝન સ્ટેટેસ્ટીક રિપોર્ટમાં જારી કરાયેલા ૨૦૧૯ના ડેટા અનુસાર કુલ ૪૭૮૬૦૦ કેદીઓમાંથી પુરૂષ કેદીઓની સંખ્યા ૪૫૮૬૮૭ છે અને મહિલા કેદીઓની સંખ્યા ૧૯૯૧૩ છે. ૧૩૦૦ જેલો પૈકી ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, તેલંગણા, ઉ.પ્ર. અને પ.બંગાળ સહિત ૧૫ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલાઓ માટેની ૩૧ જેલ છે. પ.બંગાળમાં તેની મહિલા જેલમાં સૌથી વધુ ઓક્યુપન્સી રેટ (૧૪૨.૦૪ ટકા) છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર (૧૩૮.૫૫ ટકા) અને બિહાર (૧૧૨.૫ ટકા) અનુ.બીજા અને ત્રીજા ક્રમે આવે છે. આ ૩૧ જેલોમાં ૬૫૧૧કેદીઓની ક્ષમતા છે અને તેમાં હાલ ૩૬૫૨ મહિલા કેદીઓને આ જેલમાં રાખવામાં આવી છે અને તેથી ઓક્યુપન્સી રેટ ૫૬.૧ ટકા છે.જે રાજ્યોમાં મહિલાઓ માટે અલગ જેલ નથી ત્યાં નિયમિત જેલોમાં અલગ વિભાગમાં મહિલાઓને રાખવામાં આવે છે અને તેથી નિયમિત જેલોમાં વધારાના ૧૬૨૬૧ મહિલા કેદીઓ છે. ઉત્તરાખંડમાં સર્વાધિક મહિલા ઓક્યુપન્સી રેટ (૧૭૦.૧ ટકા) છે જ્યારે ઉ.પ્ર.માં દેશમાં મહિલા કેદીઓની સૌથી વધુ સંખ્યા (૪૧૭૪) છે. ૨૦૧૪થી ૧૯ દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં મહિલા જેલોમાં મહિલા કેદીઓની સંખ્યામાં ૨૧.૭ ટકાનો (૩૦૦૧થી ૩૬૫૨) વધારો થયો છે. જ્યારે નિયમિત જેલોમાં ૧૦.૭૭ ટકાનો (૧૪૬૮૦થી ૧૬૨૬૧)નો વધારો થયો છે. ૧૫૪૩ મહિલા કેદીઓ ૧૭૭૯ બાળકો સાથે જેલમાં હતી જેમાં ૧૨૧૨ મહિલા કેદીઓ કાચા કામની કેદીઓ હતી અને તેમની સાથે ૧૪૦૯ બાળકો હતાં જ્યારે અપરાધી ઠરાવવામાં આવેલ ૩૨૫ મહિલા કેદીઓ સાથે ૩૬૩ બાળકો હતા.