(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૬
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ભારતમાં જે લોકો માસ્ક નથી પહેરતા તેવા લોકો આ મહામારીને આગળ વધારી રહ્યા છે. આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું હતુંં કે, હું યુવાનો કે વૃદ્ધોની વાત નથી કરી રહ્યો. જે લોકો આ રોગ સામે વધુ સાવચેત નથી તેવા માસ્ક નહીં પહેરનારા લોકો આ મહામારીનો ફેલાવો કરી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતમાં હાલ ત્રણ કંપનીઓ કોરોનાની રસી વિકસાવવા મામલે આગળ છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ રસીની ટ્રાયલના ૨(બી) અને ત્રીજા તબક્કામાં છે. જ્યારે ભારત બોયોટેક અને ઝાયડસ કેડિલાએ રસીનો પ્રથમ તબક્કો પૂરો કર્યો છે. ડૉક્ટર ભાર્ગવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં એક દિવસના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૦,૯૭૫ કેસ નોંધાયા હતા. આ નવા આંકડા સાથે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૧,૬૭,૩૨૩ થઈ હતી. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૮ મોત સાથે કુલ મરણઆંક ૫૮,૩૯૦ થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડામાં જણાવવામાં આવ્યું હતું. હાલ દેશમાં કોરોનાના ૭,૦૪,૩૪૮ એક્ટિવ કેસો છે. બીજી તરફ દેશમાં દર્દીઓ કોરોનામુક્ત થવાના આંકડામાં વધારો થયો છે. દેશમાં રિકવરી રેટ વધીને ૭૫.૯૨ ટકા થયો હતો. ભારતમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨૪,૦૪,૫૮૫ થઈ હતી. જ્યારે કોવિડ-૧૯થી મૃત્યુ થવાના દરમાં ૧.૮૪ ટકાનો ઘટાડો થયો હતો. સાત ઓગસ્ટના રોજ દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૨૦ લાખને પાર થઈ હતી. આઈસીએમઆરએ જણાવ્યું હતું કે, ૨૪ ઓગસ્ટ સુધી ૩,૬૮,૨૭,૫૨૦ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જ્યારે સોમવારે ૯,૨૫,૩૮૩ લોકો પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુંં હતું. આઈસીએમઆરએ જણાવ્યું હતું કે, કોરોનાની રસી વિકસાવી રહેલી ત્રણ કંપનીઓએ ૧૭૫૦ લોકો પર પરીક્ષણ હાથ ધર્યું હતું. હાલ આખી દુનિયા કોરોનાની રસીની રાહ જોઈ રહી છે ત્યારે ભારતમાં ત્રણ કંપનીઓ આ રસી વિકસાવવાના પ્રાથમિક તબક્કામાં છે.
Recent Comments