(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
અમેરિકન ફર્મ બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રૂપ(બીસીજી) દ્વારા કરાયેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનની મર્યાદા વધીને સપ્ટેમ્બરના મધ્ય સુધી લંબાવી શકે છે. સમાચાર એજન્સીએ અહેવાલને ટાંકતા જણાવ્યું હતું કે, ભારતમાં જુનના ચોથા અઠવાડિયા અથવા સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા વચ્ચે લોકડાઉનના અંકુશોને હટાવવાનું શરૂ કરી શકાય છે. અભ્યાસમાં જણાવ્યું છે કે, પ્રતિબંધ હટાવવામાં વિલંબ દેશની સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની તૈયારી તથા જાહેર નીતિની પ્રભાવશીલતાના રેકોર્ડના કારણે ઊભા થયેલા પડકારોનું પરિણામ હોઇ શકે છે. બીસીજીના પ્રવક્તાનો સમાચાર એજન્સી દ્વારા સંપર્ક કરાતા તેમણે કહ્યું કે, જુનના ત્રીજા અઠવાડિયા સુધી ભારતમાં કોરોના વાયરસના કેસો વધતા રહેશે તેવું અનુમાન છે. અહેવાલમાં ભય વ્યક્ત કરાયો છે કે, ભારતમાં જુનના ત્રીજા સપ્તાહ સુધી કોરોના વાયરસ સંક્રમણના કેસો વધી શકે છે. એટલું જ નહીં રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ભારતની વાસ્તવિક સ્થિતિ, આ સંપૂર્ણ રીતે લોકડાઉન છે કે નહીં, સંભવિત લોકડાઉનની પ્રારંભિક તારીખ, સંભવિત દેશો માટે પીક તારીખો અને લોકડાઉનના સમાપ્ત થવાની તારીખ પણ જણાવાઇ છે. આ રિપોર્ટ કોરોના વાયરસ પર લગામ લગાવવા અંગે કેન્દ્રીત છે. એવું કહેવાયું છે કે, આ રિપોર્ટ ૨૫મી માર્ચના અંદાજો પર તૈયાર કરાયો છે જે જોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટાના પૂર્વાનુમાન લગાવનારી મોડલિંગ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, જે રીતે ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને તેના કેસો સામે આવી રહ્યા છે આવા સમયે તેને રોકવું સરકાર તથા તંત્ર માટે મોટો પડકાર બનતું જઇ રહ્યું છે. અનેક અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે, ભારતમાં કોરોના વાયરસનો કેર એપ્રિલના મધ્યમાં જોવા મળી શકે છે. બીસીજીએ કહ્યું છે કે, બીસીજી નિયમિત રીતે તમામ પ્રકારના વ્યવસાયિક મુદ્દાઓ સાથે તેના ગ્રાહકોનું સમર્થન કરવા માટે એક દૂરંદેશી આયોજન રજૂ કરે છે. અમે પરિદૃશ્ય તૈયાર કરવા માટે આંતરિક અને બાહ્ય રીતે એકત્રિત કરાયેલા ડેટાનું વિશ્લેષણ કરીએ છીએ. ચરમ પર રહેલી અનિશ્ચિતતા સાથેની આ અભૂતપૂર્વ મહામારી માટે બીસીજી લોકડાઉનનો સમયગાળો, વાયરલ ઇન્ફેકશનના વધતા કેસો, હેલ્થ સિસ્ટમની ક્ષમતા અને અન્ય સ્વાસ્થ્ય તથા સામાજિક અસરો અંગે ભવિષ્યવાણી કરવાનો દાવો કરતું નથી.
કોરોના વાયરસ કેવી રીતે સમગ્ર વિશ્વમાં પ્રગતિ કરી શકે છે તેવો બીસીજીનો રિપોર્ટ એક પરિદૃશ્યને દર્શાવે છે જે બીસીજીના સંદર્ભ અથવા સંપર્ક વિના જાહેર રીતે પ્રસારિત થઇ રહ્યું છે. આ ડોક્યુમેન્ટ આધારિત ડેટા છે અને તે બધી જગ્યાએ લાગુ ના પણ પડી શકે. જોકે, અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, આ બીસીજીનો સત્તાવાર પરિદૃશ્ય નથી ઉપરાંત બીસીજીએ સમગ્ર દેશમાં કેવી રીતે રોગચાળો ફાટી નીકળશે તે અંગેના ડેટાને જાહેર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભાજપની કેન્દ્ર સરકારે ૨૪મી માર્ચે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી જેમાં યુકે, પોલેન્ડ અને કોલંબિયા જેવા દેશો દ્વારા લેવાયેલા પગલાંને અનુસરવામાં આવ્યું હતું. ત્રીજી એપ્રિલે દેશમાં કોરોના વાયરસના કેસો ૩,૦૦૦ને પાર કરી ગયા હતા જ્યારે મૃત્યુઆંક ૭૦થી વધુ થઇ ગયો છે.