(એજન્સી) તા.૧૭
આ આંકડા કદાચ ઘણા લોકોને આઘાતજનક લાગશે પરંતુ વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ડીસીસ ડાયનેમિક્સ ઇકોનેમિક્સ એન્ડ પોલીસીના ડાયરેક્ટર રમનન લક્ષમીનારાયણે જણાવ્યું છે કે ભારતમાં ૧ કરોડ જેટલા લોકો કોવિડ-૧૯થી સંભવતઃ સંક્રમિત થઇ ચૂક્યાં છે.
તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં આઇસીએમઆર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી સિરોલોજીકલ સર્વે એવો નિર્દેશ આપે છે કે ૦.૭૩ ટકા વસ્તીને વાયરસ લાગી ચૂક્યો છે. લક્ષ્મીનારાયણ કહે છે કે તેમનું માનવું છે કે સપ્ટે. સુધીમાં ભારતમાં ૨૦ કરોડ લોકો કોવિડથી સંક્રમિત થઇ ગયાં હશે.
ધ વાયર સાથેની એક મુલાકાતમાં લક્ષ્મીનારાયણે જણાવ્યું છે કે કોવિડ-૧૯ સંક્રમણ અને કોવિડ-૧૯ કેસ વચ્ચે કોઇ વાસ્તવિક ફરક નથી, સિવાય કે સત્તાવાર નોંધાયેલ સંક્રમણને આપણે કેસ તરીકે ગણીએ છીએ જ્યારે જેમનું નિદાન થયું ન હોય અથવા સત્તાવાર રીતે રેકોર્ડ થયેલો ન હોય તેમને આપણે સંક્રમણ તરીકે ગણીએ છીએ. આમાંના મોટા ભાગનાને લક્ષણ જોવા નહીં મળે પરંતુ કેટલાકને હળવું સંક્રમણ થયું હશે કે જે અંગે તેમને દરકાર કરી નથી.
જો કે લક્ષ્મીનારાયણે સપ્ટે. સુધીમાં ૨ કરોડ લોકોને સંક્રમણ થવાની પોતાની આગાહી અંગે મૃત્યુ કેટલા થશે તેનો આંકડો આપવાનો ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે કે સામુદાયિક સંક્રમણ ટેકનિકલ શબ્દસમૂહ નથી અને સામાન્ય પરીભાષામાં તેનો અર્થ સ્પષ્ટપણે સમજી શકાય છે. આનો અર્થ એ થાય છે કે લોકોને સમુદાયમાં જ સંક્રમણ થાય છે પરંતુ કોના દ્વારા અને કઇ રીતે થયું તે ખબર પડતી નથી. આ સંજોગોમાં ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ચાલુ થઇ ગયું છે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. લક્ષ્મીનારાયણે એવું પણ જણાવ્યું છે કે પ.બંગાળ, યુપી, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડના ગામોમાં લાખો પ્રવાસી શ્રમિકોની વાપસીને કારણે હવે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં પણ કોવિડના સંક્રમણમાં ભારે ઉછાળો આવશે. સમુદાયમાં ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું છે અને હવે લાખો સંક્રમિત કેસો સાથે કામ લેવા માટે આરોગ્ય તંત્ર ઊભા કરવાનો એક મોટો પડકાર છે એવું લક્ષ્મીનારાયણે જણાવ્યું હતું.