(એજન્સી) વિજયવાડા,તા.ર૯
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ ચેલમેશ્વરે એક કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે આપણા દેશમાં વધુ પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે, જો કે દુનિયાના અન્ય દેશોમાં પણ અસમાનતા છે. પણ એનાથી વધુ આપણા દેશમાં છે. વધુમાં કહ્યું કે આપણા બંધારણમાં સમાનતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે એથી વધુ એ પાયાનો સિદ્ધાંત પણ છે.
આપણા દેશમાં ધર્મ, જાતિ, ભાષા અને ક્ષેત્ર આધારે અસમાનતા જોવા મળે છે. જો કે એના માટે ઐતિહાસિક કારણો પણ જવાબદાર છે. એમણે કહ્યું કે ફક્ત ભારતમાં જ અસમાનતા નથી પણ દુનિયાનું સ્વર્ગ ગણાવાતા અમેરિકામાં પણ અસામાનતા છે. જે દેશ લોકશાહી માટે દુનિયાનું સર્વોચ્ચ મોડેલ હોવાનો દાવો કરે છે. આપણા બંધારણમાં જણાવેલ છે કે કઈ રીતે અસમાનતાને દૂર કરવો. બંધારણના અનુચ્છેદ ૧૪થી ૧૮ સુધી સમાનતાની વ્યાખ્યા અને એનો કઈ રીતે અમલ કરવો એ જણાવેલ છે. આપણું બંધારણ ફક્ત એક પુસ્તક નથી જે ફક્ત શાસન કરવાની દોરવણી આપે છે પણ દેશમાં લોકો કેવી રીતે જીવે એ વિશે પણ વિસ્તૃત માહિતી અપાઈ છે.
જજ ચેલામેશ્વરે અન્ય ચાર જજો સાથે મળી સીજેઆઈ સામે ૧રમી જાન્યુઆરીએ નારાજગી જણાવી પત્રકાર પરિષદ યોજી હતી. જેનાથી ઘણા વિવાદો સર્જાયા હતા. જે હજુ સંપૂર્ણપણે શમ્યા નથી.
જજ ચેલામેશ્વરે જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર મને રાજકીય પક્ષ સાથે જોડવામાં આવી રહ્યો છે જેનું દુઃખ છે. એમણે કહ્યું જ્યારે મેં સુપ્રીમ કોર્ટના જજનો હોદ્દો ધારણ કર્યો તે દિવસથી રાજકીય પક્ષ સાથે સંબંધોનો અંત કર્યો હતો.