(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
ઈટાલીથી ભારત ફરવા આવેલા ૨૩ પ્રવાસીઓ અને ત્રણ ભારતીય નાગરિકોને દિલ્હીમાં આઇટીબીપી દ્વારા સ્થાપિત કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટેના કેમ્પમાં શિફ્ટ કરી દેવાયા છે. હકીકતમાં ઈટલીમાં કોરોના વાયરસના અનેક કેસો સામે આવી ચૂક્યા છે. એવામાં મંગળવારે બપોરે રાજધાની દિલ્હી પહોંચતા જ ૨૩ પ્રવાસીઓને અલગ-અલગ રાખવામાં આવ્યા હતા.એઇમ્સમાં આ તમામ પ્રવાસીઓના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ દરમિયાન આશરે ૧૬ જેટલા ઇટાલિયન નાગરિકો અને ૧૨ ભારતીય નાગરિકના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા અને તેના કારણે જ ભયની સ્થિતિ સર્જાઇ હતી. આ તમામ ૧૬ દર્દીઓને હરિયાણાના છાવલા સ્થિત આઇટીબીપીના કેમ્પમાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એક પત્રકાર પરિષદ યોજીને ભારતમાં કોરોના વાયરસ અંગેની માહિતી આપી હતી. ઇટાલીના ૧૬ તથા તેમના ભારતીય ડ્રાઇવર સહિત કુલ ૧૭ લોકોને આઇટીબીપીના કેમ્પમાં રખાયા છે આ લોકોને દિલ્હીમાં તેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સાતને ચેપ લાગ્યો હોવાની માહિતી મળી હતી. હૈદરાબાદના એક ટેકી દુબઇથી પરત આવ્યા ત્યારે તેમને પણ ટેસ્ટમાં ચેપ લાગ્યો હોવાની ખરાઇ કરાઇ હતી. આ પહેલા કેરળમાં ત્રણ કોરોના વાયરસના દર્દીઓને યોગ્ય સારવાર આપ્યા બાદ રજા આપી દેવાઇ હતી.
ચીન સહિત દુનિયાના ૭૬ દેશોમાં કોરોના વાયરસે કોહરામ મચાવી દીધા બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધ્યા છે. છેલ્લા બે દિવસમાં જ કોરોનાના કારણે ભારતભરમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસને લઇને એલર્ટની દેશભરમાં જાહેરાત અને તમામ સંબંધિત તંત્રોને એલર્ટ કરાયા બાદ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને આજે કહ્યુ હતુ કે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૨૮ ઉપર પહોંચી ગઇ છે. પ્રધાને આજે કહ્યુ હતુ કે ૧૬ ઇટાલિયન સહિત ૨૮ પોઝિટિવ કેસો સપાટી પર આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, હાલમાં અમે ૧૨ દેશોમાંથી આવી રહેલા વિમાનોની ગૂઢ તપાસ કરી રહ્યા હતા પરંતુ હવે અમે દરેક પ્રવાસીની સ્ક્રીનિંગ કરી રહ્યા છીએ. સાર્વત્રિક સ્ક્રીનિંગનો દરેક લોકો ભાગ હશે અને તેમાંથી કોઇ છટકી શકશે નહીં. તેમણે કહ્યુ હતુ કે હવે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને યાત્રીઓની સ્ક્રિનિંગ ફરજિયાત કરી દેવામાં આવી છે. હજુ સુધી માત્ર ૧૨ દેશોના નાગરિકોની સ્ક્રિનિંગ ફરજિયાત રાખવામાં આવી રહી હતી. હજુ સુધી ૫૮૯૦૦૦ લોકોની એરપોર્ટ પર સ્ક્રિનીગ કરવામાં આવી છે. સાથે સાથે ૧૦ લાખ લોકોની સ્ક્રીનિગ નેપાળ સાથેની સરહદ પર સ્ક્રિંનિંગ કરવામાં આવી ચુકી છે. હાલમાં ૨૭૦૦૦ લોકો કોમ્યુનિટી ચકાસણી હેઠળ છે. ભારતમાં જે કુલ કેસો નોંધાયા છે તે પૈકી આગરામાં છ કેસ નોંધાયા છે. ૧૬ ઇટાલિયન નાગરિકો છે. અને તેમના ભારતીય ડ્રાઇવર સામેલ છે. કેરળમાં ત્રણ અને તેલંગણામાં એક કેસ નોંધાયો છે. પત્રકારો સાથે વાતચીત કરતા પ્રધાને કહ્યુ હતુ કે કોરોના વાયરસને રોકવા માટે હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા દિલ્હી સરકારને કહેવામાં આવ્યું છે.