(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
કોરોના વાયરસના કારણે દુનિયાના દેશોમાં ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કોરોનાના કારણે વર્ષ ૨૦૨૦માં વિશ્વના મોટાભાગના દેશોમાં નેગેટિવ ગ્રોથનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વિકાસશીલ હોય કે પછી વિકસિત બંને પ્રકારના દેશોમાં કોરોનાની માઠી અસર થઇ છે. આઈએમએફ દ્વારા આજે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, એશિયન દેશોએ કોરોનાને વધુ સારી રીતે કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી છે. કોરોના મહામારીને રોકવામાં એશિયન દેશોનો દેખાવ સારો રહ્યો છે. આઈએમએફે કહ્યું છે કે, વર્ષ ૨૦૨૦માં વિશ્વના તમામ વિકસિત દેશોમાં વિકાસનો દર નેગેટિવ રહેશે પરંતુ ભારત અને ચીનમાં ગ્રોથરેટ પોઝિટિવ રહેશે. દરમિયાન, આઇએમએફે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસ મહામારીને કારણે ચાલુ વર્ષે એશિયાનો આર્થિક વિકાસ દર શૂન્ય રહી શકે છે. જો એમ થશે તો છેલ્લા ૬૦ વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન હશે. આઇએમએફે જણાવ્યું છે કે કોરોના વાયરસને કારણે હાલમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ ગંભીર છે. છેલ્લા ૬૦ વર્ષમાં ક્યારેય પણ આવી દશા જોવામાં આવી નથી.
કોરોના વાયરસની મંદી હોવા છતાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસની ગતિ મેળવશે. વર્ષ ૨૦૨૦માં માત્ર બે જ દેશો એવા છે જેમાં વિકાસદર પોઝિટિવ રહેશે. આ વર્ષે ભારતમાં વિકાસદર ૧.૯ ટકા રહેવાનો અંદાજ છે જ્યારે ચીનનો વિકાસદર ૧.૨ ટકા રહેવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. આનો મતલબ એ થયો કે, વર્ષ ૨૦૨૧માં ચીન ૯.૨ ટકા અને ભારત ૭.૪ ટકાના દરથી વિકાસ કરી શકે છે. એશિયા અને પ્રશાંત વિભાગના આઈએમએફના નિર્દેશક ચાંગ યોંગ જણાવ્યું છે કે, એશિયામાં કોરોના વાયરસની અસર દરેક ક્ષેત્રમાં દેખાશે. તેની ગંભીર અને અભૂતપૂર્વ અસર થશે. એશિયામાં સરેરાશ વૃદ્ધિદર અન્ય ક્ષેત્રોની સરખામણીમાં વધારે છે. એશિયામાં વૃદ્ધિ દર ૨૦૨૧માં વધીને ૭.૬ ટકા રહેવાની અપેક્ષા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ મંદીની અસર એશિયા પર પણ રહેશે આનાથી સમગ્ર ૨૦૨૧ના ગાળા દરમિયાન પણ ઉત્પાદનના સ્તર પર માઠી અસર થશે. મહામારીના પહેલાના સ્તરની સરખામણીમાં માર ઓછો પડી શકે છે. જોકે, એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ અંદાજ ખૂબ જ અનિશ્ચિત છે. સ્થિતિમાં હજુ વારંવાર ફેરફાર થશે પરંતુ એક બાબત નક્કી છે કોરોના મંદી છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ કરશે. તમામ વિકસિત દેશોનો વિકાસદર નેગેટિવ રહેશે. આઈએમએફના કહેવા મુજબ એશિયાના બે મોટા વેપારી ભાગીદાર અમેરિકા અને યુરોપમાં ક્રમશઃ છ ટકા અને ૬.૬ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. આ વર્ષે ચીનમાં આર્થિક વૃદ્ધિદર ૨૦૧૯ના ૬.૧ ટકાથી ઘટીને ૧.૨ ટકા પર પહોંચી જવાની સંભાવના છે.

આઈએમએફે મૂકેલો અંદાજ

વિકસિત અર્થતંત્ર
દેશ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧
અમેરિકા ૨.૩ -૫.૯ ૪.૭
યુરો એરિયા ૧.૨ -૭.૫ ૪.૭
જર્મની ૦.૬ -૭ ૫.૨
ફ્રાંસ ૧.૩ -૭.૨ ૪.૫
ઇટાલી ૦.૩ -૯.૧ ૪.૮
સ્પેન ૨ -૮ ૪.૩
જાપાન ૦.૭ -૫.૨ ૩
બ્રિટન ૧.૪ -૬.૫ ૪
કેનેડા ૧.૬ -૬.૨ ૪.૨
અન્ય અર્થતંત્રો ૧.૭ -૪.૬ ૪.૫
વિકાસશીલ અર્થતંત્ર
ચીન ૧.૬ ૧.૨ ૯.૨
ભારત ૪.૨ ૧.૯ ૭.૪
એશિયન ૪.૮ -૦.૬ ૭.૮
વિકાસશીલ યુરોપ ૭.૧ -૫.૨ ૪.૨
લેટિન અમેરિકા-કેરેબિયન ૦.૧ -૫.૨ ૩.૪
મેક્સિકો -૦.૧ -૬.૬ ૩
નોંધ : તમામ આકંડા વિકાસદરમાં છે અને ટકામાં છે.