(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩
સન્યાસ લીધા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઈરફાન પઠાણે ભારતીય ક્રિકેટમાં ચાલતી લાલીયાવાડી અને વ્હાલા દવલાની નીતિનો પર્દાફાશ કર્યો છે તથા આડકતરી રીતે એમ.એસ.ધોની દ્વારા પણ યૌગ્ય વિશ્વાસ ન દાખવી ચાન્સ નહીં આપવાનું પણ જણાવ્યું હતું. ઈરફાન પઠાણે એક રાષ્ટ્રીય ચેનલના સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, તેને એ સમયે નિયમિતરીતે ચાન્સ આપવામાં ન આવ્યો અને ન તો કેપ્ટને તેને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો. ધોની જ એ સમયે કેપ્ટન હતો. પઠાણે કહ્યું કે, એવી સ્ટોરી ગઢવામાં આવી કે, પઠાણની સ્વિંગ હવે સમાપ્ત થઈ ગઈ છે. એ સાચું હતું, પરંતુ તેની પાછળના કારણો પણ હતા. પઠાણે ઘણું સારૂં રમવા છતાં ન રમાડવા અંગે ગેરી ક્રર્સ્ટનને સવાલ કર્યો, તો ભારતના પૂર્વ કોચે તેને કહ્યું કે તું બધુ સારૂં કરી રહ્યો છે, પરંતુ કેટલીક બાબતો મારા હાથમાં નથી.
એક સવાલના જવાબમાં ઈરફાને કહ્યું કે, એમ. એસ. ધોનીને પણ પૂછ્યું કે મારી બાબતે સ્પષ્ટ વિચાર રાખે, તો તેણે કહ્યું કે બધુ બરાબર છે, પરંતુ કેટલીક વસ્તુ યોગ્ય ન થઈ. વારંવાર સ્પષ્ટતા માંગવાથી પણ ઈજ્જત ઓછી થાય છે અને એ સંભવ નહોતું. ઈરફાને ધોની પર વાર કરતાં કહ્યું કે, અમારામાં ન તો રૂમમાં જઈને હુક્કો સેટ કરવાની આદત છે, ના તો અમને જુની વાતોને યાદ કરવાની આદત છે અને એ બાબત બધાને ખબર છે. ક્રિકેટરનું કામ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. ત્યાં સુધી કે, હું વર્ષ ૨૦૧૬માં ઘરેલું સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર હતો અને ત્રીજા કે ચોથા નંબરનો રન સ્કોરર હતો, પરંતુ તેમ છતાં સિલેક્ટરોએ કહ્યું કે મજા નથી આવી રહી. એ વાતચીતમાં ઈરફાન પઠાણે પૂર્વ ઓપનર અને સિલેક્ટર શ્રીકાંત પર પણ તેના નિવેદન માટે નિશાન સાધ્યું હતું.