ઓસ્ટ્રેલિયાએ કોહલી-પંડ્યા પર
બાયો-બબલ તોડવાનો આરોપ લગાવ્યો

સિડની, તા.૪
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા મેલબોર્નમાં પાંચ ભારતીય ખેલાડીઓ દ્વારા કરાયેલા બાયો બબલ પ્રોટોકોલના સંભવિત ઉલ્લંઘન વચ્ચે ઓસ્ટ્રેલિયન મીડિયામાં રિપોર્ટનો દાવો છે કે, ટીમ ઈન્ડિયાના સભ્યો માટે વધુ બે સંભવિત ઉલ્લંઘન હતું. સિડની મોર્નિંગ હેરાલ્ડના અનુસાર વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ડિસેમ્બરની શરૂઆતમાં સિડનીમાં એક બાળકોના સ્ટોરની મુલાકાત લીધી હતી. રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ જોડીએ સ્ટોરની અંદર માસ્ક નહીં પહેરીને બાયો બબલ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, એડીલેડમાં એક સપ્તાહ બાદમાં ભારતીય ખેલાડીઓના એક સમૂહએ એક ભોજનાલય અને કોફીશોપનો પ્રવાસ કર્યો જેમાં તેઓ બહાર જતા પહેલાં એક મેજ ઉપર બેઠા હતા. રિપોર્ટ અનુસાર જે ખેલાડી અંદર ગયા હતા તેમણે પ્રોટોકોલ અનુસાર માસ્ક પહેરવું જોઈતું હતું. નવા વર્ષના દિવસે મેલબોર્નની એક રેસ્ટોરન્ટમાં પાંચ ભારતીય ખેલાડીઓના ભોજન કરવાનો મામલો હાલ ચકચારીત બન્યો છે. બીસીસીઆઈ અને ઓસ્ટ્રેલિયન બોર્ડ બંનેએ બાયો બબલ પ્રોટોકોલના સંભવિત ઉલ્લંઘન માટે એક તપાસ શરૂ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક પ્રેસ રિલિઝ જાહેર કરી કહ્યું છે કે, બીસીસીઆઈ અને સીએ આ મામલાની તપાસ કરી રહ્યું છે અને એ નિર્ધારિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું છે કે નહીં.