મેલબર્ન,તા.૧૯
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસના મતે ટીમ ઈન્ડિયાની બહાર બેસનારા ખેલાડીઓ પણ તેના કરતા વધુ પ્રતિભાશાળી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની ડોક્યુમેન્ટ્રી ’ધ ટેસ્ટ’માં તેણે આ વાત કરી હતી. સ્ટોઈનિસે કહ્યું કે, “મને ભારતમાં રમવાની મજા આવે છે. મને અહીંની સંસ્કૃતિ ગમે છે. તેની શક્તિનો સામનો કરવો અશક્ય છે. તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને સારું પ્રદર્શન કરી શકો છો.”
સ્ટોઇનિસે વધુમાં કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી પ્રતિભાશાળી છે. તેની સાથે સ્પર્ધા કરવી હંમેશાં મજેદાર રહે છે. ભારતે ૨૦૧૮માં ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને ૨-૧થી હરાવ્યું હતું. આ પહેલી વખત હતું જ્યારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ટીમને ટેસ્ટ સિરીઝમાં પરાજિત કરી હતી. ભારતે આ ટૂર પર યજમાન વિરુદ્ધ ટી-૨૦ શ્રેણી ૧-૧થી બરાબર કરી હતી અને ૩ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ હાર્યા પછીની બે મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર તાજેતરમાં સમાપ્ત બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ માટે રમ્યો હતો. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ રહ્યો હતો. તેણે ૧૭ મેચમાં ૫૪.૨૩ ની સરેરાશથી ૭૦૫ રન બનાવ્યા. તેણે સમગ્ર સિઝનમાં ૨૮ સિક્સર ફટકારી હતી.