(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
નેવી દ્વારા જાસૂસી રેકેટ પકડયા પછી ૧૧ અધિકારીઓની ધરપકડ કરાઈ હતી. એમની ઉપર આક્ષેપો છે કે, એમણે પાકિસ્તાની હેન્ડલરને મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ માહિતી પૂરી પાડી હતી. એ પછી નેવીએ પોતાના અધિકારીઓ માટે ફેસબુકનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકયો છે. એ ઉપરાંત એમને સ્માર્ટફોનનો ઉપયોગ નેવી બેસ ઉપર, યાર્ડમાં અને શિપ ઉપર કરવા માટે પણ પ્રતિબંધ મૂક્યો છે. નેવીએ સાત અધિકારીઓને પકડી પાડયા હતા જે સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયા દ્વારા દુશ્મન દેશની ગુપ્તચર એજન્સીને આપી રહ્યા હતા એ પછી નેવીએ કડક પગલાં લીધા હતા. આંધ્રપ્રદેશ પોલીસના ગુપ્તચર વિભાગે ૧૯મી ડિસેમ્બરે જાસૂસી રેકેટ પકડી પાડ્યો હતો. એમણે જણાવ્યું હતું કે, ર૦૧૭માં ભરતી થયેલ અધિકારીઓએ શિપ અને સબમરીનની સ્થિતિ સમેત કેટલીક ગુપ્ત માહિતી લીક કરી હતી. આ અધિકારીઓ હનીટ્રેપમાં ફસાયા હતા. આ યુવા અધિકારીઓ સાથે ફેસબુક દ્વારા ત્રણથી ચાર મહિલાઓએ મિત્રતા કેળવી હતી અને પછી એમની સાથે ઓનલાઈન સંબંધો બાંધ્યા હતા. એ પછી મહિલાઓએ અધિકારીઓને એક વ્યક્તિ સાથે ઓનલાઈન ઓળખાણ કરાવી હતી. આ વ્યક્તિએ પોતે ધંધાર્થી હોવાનું જણાવ્યું હતું પણ ખરી રીતે એ પાકિસ્તાની હેન્ડલર હતો. જેમણે અધિકારીઓ પાસેથી સંવેદનશીલ માહિતી મેળવવી શરૂ કરી હતી. જો કે, અધિકારીઓની મહિલાઓ સાથેની વાતચીત કરમુકતાભરી હતી જેથી એમને બ્લેકમેઈલ કરવામાં આવ્યું હતું. અધિકારીઓને હવાલા દ્વારા નાણાં પણ અપાયા હતા. આ સાત અધિકારીઓએ ખૂબ જ સંવેદનશીલ માહિતી લીક કરી હતી. એમની સામે વિજયવાડામાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશનો ગુપ્તચર વિભાગ આ સાત અધિકારી ઉપર છેલ્લા કેટલાક દિવસોથી નિગરાની રાખી રહ્યો હતો. સોમવારે આંધ્રના ઈન્ટેલિજન્સ સેલે ચાર વધુ નેવી અધિકારીઓની ધરપકડ કરી હતી જેમાં ત્રણ મુંબઈ નેવી બેસના અને એક કરવર નેવી બેસનો અધિકારી છે.
ભારતીય નૌકાદળે તેના મથકો, જહાજો પર સોશિયલ મીડિયા, સ્માર્ટફોન પ્રતિબંધિત કર્યા

Recent Comments