નેપિયર,તા.૨૪
જેમિમા રોડ્રિગ્ઝ (અણનમ ૮૧) અને સ્મૃતિ મંધાના (૧૦૫)ની શાનદાર ઇનિંગના દમ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની શ્રેણીમાં પ્રથમ વનડેમાં નવ વિકેટથી જીત મેળવી હતી. આ સાથે ભારતે ત્રણ વનડે મેચોની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે. ત્રણ વનડે મેચોની શ્રેણીની પહેલી મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલર્સે અદભૂત બોલિંગ કરીને યજમાન ન્યૂઝીલેન્ડની ટીમને ૪૮.૪ ઓવરમાં ૧૯૨ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડે જો કે સારી શરૂઆત કરી હતી પરંતુ ટીમનો મધ્યક્રમ એકતા બિસ્ત અને પૂનમ યાદવના કારણે વિખેરાઇ ગયો અને ટીમ મોટો સ્કોર ન કરી શકી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી.
જીત માટે ૧૯૩ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા માટે ઇનિંગની શરૂઆત જેમીમા રોડ્રિગેઝ અને સ્મૃતિ મંધાનાએ કરી. બંનેએ શાનદાર બેટિંગ કરતા કીવી ટીમને કોઈ તક ન આપી. બંનેએ પહેલી વિકેટ માટે ૧૯૦ રનની ભાગીદારી કરી હતી. મંધાના શાનદાર સદી (૧૦૫) જોડ્યા બાદ કેરના બોલ પર કેચ આપીને પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ રોડ્રિગેઝ (૮૧*)એ દીપ્તિ શર્મા (૦*) સાથે મળીને ટીમ ઇન્ડિયાને ૯ વિકેટથી જીત અપાવી.