(એજન્સી) તા.૨૩
ભારતીય મૂળના અમેરિકન ડિસ્ટ્રીક્ટ જજ અમિત મહેતાને ઇન્ટરનેટ સર્ચ જાયન્ટ ગૂગલ વિરુદ્ધ ન્યાય વિભાગનો મહત્વનો મુકદમો સોંપવામાં આવ્યો છે. તેઓ આ કેસની સુનાવણી કરશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ ૨૨, ડિસે.૨૦૧૪ના રોજ અમિત મહેતાને કોલંબિયાના જિલ્લા માટેની યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતા. ભારતના ગુજરાતમાં આવેલા પાટણમાં જન્મેલા અમિત મહેતાએ ૧૯૦૩માં જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને તેમણે યુનિવર્સિટી ઓફ વર્જીનિયા સ્કૂલ ઓફ લોમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. લો સ્કૂલના અભ્યાસ બાદ મહેતાએ ૯મી સરકીટ કોર્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતાં પહેલાં સેન ફ્રાન્સિસ્કોની એક કાનૂની ફર્મમાં પણ કામ કર્યુ હતું. વર્ષ ૨૦૦૨માં મહેતા એક સ્ટાફ એટર્ની તરીકે ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા પબ્લિક ડીફેન્ડર સર્વિસમાં કાર્યરત થયાં હતાં.
ન્યાય વિભાગ અને ૧૧ રાજ્યોના એટર્ની જનરલે મંગળવારે કોલંબિયા જિલ્લા માટે અમેરિકન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ગૂગલ ઇન્ટરનેટ કંપની વિરુદ્ધ અવિશ્વાસનો (એન્ટીટ્રસ્ટ) કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ગૂગલે ઓનલાઇન સર્ચ અને વિજ્ઞાપનમાં પોતાના વર્ચસ્વનો ઉપયોગ સ્પર્ધાને ખતમ કરવા માટે કર્યો હતો. તેમાં સામેલ અન્ય રાજ્યના એટર્ની જનરલ કાર્યાલય અકકંસાસ, ફ્લોરીડા, જ્યોર્જીયા, ઇન્ડિયાના, એકેન્ટકી, લુઇસીયાના, મિસિસિપી, મિસૌરી, મોન્ટાના, દ.કેરોલીના અને ટેક્સાસનું પ્રતિનિધિત્વ કરે છે.
ન્યાય વિભાગે જણાવ્યું છે કે વર્ષોથી ગૂગલ પાસે અમેરિકામાં સર્ચ કરવામાં આવનારા પ્રશ્નોનો લગભગ ૯૦ ટકા ભાગ છે અને તેણે સર્ચ અને વિજ્ઞાપનમાં પોતાની એકહથ્થુ સત્તા જાળવી રાખવા અને વધારવા માટે સ્પર્ધા વિરોધી રણનીતિનો ઉપયોગ કર્યો છે. એક ટ્રિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ સાથે સૌથી ધનાઢ્ય કંપનીઓમાંની એક ગૂગલની અબજો યુઝર્સ અને અસંખ્ય વિજ્ઞાપનકારો માટે ઇન્ટરનેટની મોનોપોલી ધરાવે છે. અમિત મહેતાએ મીડ-એટલાન્ટિક ઇનોસન્સ પ્રોજેક્ટના બોર્ડ ઓફ ડાયરેક્ટર પર સેવા આપી છે અને ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા બાર્સ ક્રિમિનલ લો અને ઇન્ડિવિજ્યોલ રાઇટ્‌સ સેક્શન હીયરીંગ કમિટીના પૂર્વ સહઅધ્યક્ષ છે.