(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઈન્દિરા નૂઇને પહેલી મહિલા ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ભારતીય મૂળની ઈન્દિરા નૂઇ હાલ પેપ્સીકોના ચેરમેન અને CEO છે. ઈન્દિરા નૂઇને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની પહેલી સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જૂન, ૨૦૧૮થી બે વર્ષ માટે બોર્ડ સાથે જોડાશે. ઈન્દિરાની નિમણૂંક માટે ICCને કેટલાક નિયમો બદલવા પડ્યા છે. જૂન, ૨૦૧૭માં ICCએ સ્વતંત્ર નિર્દેશકના નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવને સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે કોઈ મહિલા હશે તેવી શરત સાથે મંજૂરી અપાઈ હતી.
ઈન્દિરા નૂઇએ કહ્યું કે, “આ ભૂમિકા માટે ICCની પ્રથમ મહિલા બનીને હું ઘણી જ ઉત્સાહિત છું. બોર્ડ, ICC વચ્ચેની ભાગીદારી અને ક્રિકેટરો સાથે કામ કરવા અંગે હું ઘણાં સમયથી રાહ જોતી હતી.”
ઈન્દિરા નૂઇએ વધુમાં કહ્યું કે, “હું ક્રિકેટને પ્રેમ કરૂં છું. મેં મારા કોલેજના દિવસોમાં ક્રિકેટની રમત રમી છે અને તેમાંથી ઘણું શીખી છું.”
ICCના અધ્યક્ષ શશાંક મનોહરે કહ્યું કે, “વધુ એક સ્વતંત્ર ડાયરેક્ટર અને તે પણ મહિલાની નિમણૂક, સંચાલનને વધુ યોગ્ય બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. તેમની બે વર્ષ માટે નિમણૂક કરાઈ છે પરંતુ તેઓને બીજી વખત પસંદ કરી શકાય છે.”
ઈન્દિરા નૂઇને ફોર્બ્સ મેગેઝીને વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ સુધી સતત ૭ વર્ષ સુધી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું હતું.
ફોર્ચ્યૂન મેગેઝીને પણ વર્ષ ૨૦૦૬થી ૨૦૧૦ સુધી પાંચ વર્ષ સુધી વ્યવસાય ક્ષેત્રમાં સૌથી પ્રભાવશાળી મહિલાની લિસ્ટમાં સ્થાન આપ્યું હતું.
ભારત સરકારે વર્ષ ૨૦૦૭માં નૂઇને પદ્મભૂષણ આપી સન્માનિત કર્યા હતા.
આ ઉપરાંત વર્ષ ૨૦૦૮માં તેઓને અમેરિકા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.