(એજન્સી) તા.૨૦
પ્રવાસીઓ માટે એક આવકાર્ય પગલામાં ભારતીય રેલવે હવે ટૂંક સમયમાં બે નવી હાઇ સ્પીડ ટ્રેન શરુ કરનાર છે જે પાછળથી શતાબ્દિ અને રાજધાની ટ્રેનોનું સ્થાન લેશે. ભારતીય રેલવેએ બે હાઇસ્પીડ ટ્રેન ખાસ કરીને ટ્રેન-૧૮ અને ટ્રેન-૨૦ લોંચ કરનાર છે. આ બંને નવી ટ્રેનો ચેન્નઇમાં ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી ખાતે વિકસાવવામાં આવી રહી છે અને તે ભારતની સૌથી ઝડપી ટ્રેન હશે અને તે પ્રતિ કલાકના ૧૭૬ કિ.મી. ઝડપે દોડશે. ટ્રેન-૧૮ ૨૦૧૮માં જ ટ્રેક પર દોડતી થઇ જશે તેથી તેનું નામ ટ્રેન-૧૮ રાખવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં લોંંચ થનારી આ ટ્રેનને સ્ટીલથી બનાવવામાં આવી છે અને ટ્રેનની બોડી સંપૂર્ણપણે ધ્રુજારીમુક્ત હશે. આ ટ્રેન પ્રોજેક્ટ માટે રલવે મંત્રાલય રૂા.૧૨૦ કરોડ જારી કરી ચૂક્યું છે. ટ્રેન -૧૮ શતાબ્દિનું સ્થાન લેશે જ્યારે ટ્રેન -૨૦ ૨૦૨૦માં લોંચ થશે. આઇએફએસના ચીફ એન્જિનિયર શ્રીનિવાસે જણાવ્યું હતું કે દરેક ટ્રેનમાં છ મોટર કોચ એન્જિન હશે જેને લઇને આ ટ્રેનો મેટ્રોની જેમ આગળ કે પાછળ દોડાવી શકાશે. હાઇસ્પીડ ટ્રેનના એક કોચના બનાવવાનો ખર્ચ રૂા.૨.૫૦ કરોડ અને ટ્રેન-૨૦ના એક કોચને બનાવવાનો ખર્ચ રૂા. ૫.૫૦ કરોડ આવશે. આઇએફએસના એન્જિનિયર એસપી બાવરે જણાવ્યું હતું કે એક ટ્રેનમાં ૧૨થી ૮ કોચ હશે. બાકીના તૈયાર કરાયેલા કેટલાક કોચ ઇમર્જન્સી તરીકે રાખવામાં આવશે. આ બંને નવી ટ્રેનોમાં એલઇડી ટીવી સ્ક્રિન, જીપીએસ , ડીફ્યુઝ લાઇટીંગ સિસ્ટમ જેવી વિશ્વકક્ષાની સુવિધા હશે. ટ્રેનના કોચમાં ઓટોમેટીક પ્લગ ટાઇટ બારણા હશે કે જે સ્ટેશન આવશે ત્યારે જ ખુલશે અને બંધ થશે. કુદરત અને પર્યાવરણની ચિંતાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનના ટોઇલેટ ઝીરો ડિસ્ચાર્જ વેક્યુમ આધારીત બાયોટોઇલેટની સુવિધા હશે. આ બંને નવી ટ્રેનો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે.