(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
ભારતીય વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ સુબ્રોતો પાર્ક સ્થિત એરફોર્સ ઓડિટોરિયમમાં મંગળવારે જણાવ્યું કે અમે ૪૪ વર્ષ જૂના મિગ-૨૧ ઉડાવી રહ્યા છે. આટલી જૂની તો કોઈ કાર પણ નહીં ચલાવતું હોય એટલા જૂના વિમાન અમે ઉડાવીએ છે. ભારત-પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ પર એર ચીફ માર્શલ ધનોઆએ કહ્યું કે, ભારતીય વાયુસેના હંમેશા સતર્ક જ રહેતી હોય છે. એવું નથી કે પરિસ્થિતિ તણાવગ્રસ્ત થાય ત્યારે જ અમે સતર્ક રહીએ છે. એર ડિફેન્સ સિસ્ટમની જવાબદારી અમારી છે તેથી અમે હંમેશા સતર્ક જ રહીએ છે.’
મંગળવારે ભારતીય વાયુસેનાની સ્વદેશીકરણની યોજનાઓ પર યોજાયેલા સેમિનાર દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ તથા ભારતીય વાયુસેના પ્રમુખ ધનોઆએ રક્ષા ઉપકરણોના સ્વદેશીકરણના પ્રયત્નો પર પુસ્તકોનું વિમોચન કર્યું હતું. ધનોઆએ કહ્યું, ‘અમે સ્વદેશી ટેક્નોલોજી દ્વારા જૂના થઈ ચૂકેલા લડાકૂ ઉપકરણો બદલાય તેની રાહ જોઈને બેસી શકીએ તેમ નથી, અને દરેક ઉપકરણોને વિદેશથી આયાત કરવામાં પણ કોઈ સમજદારી નથી…. અમે અમારા જૂના થઈ ચૂકેલા હથિયારોને સ્વદેશ-નિર્મિત હથિયારોમાં ફેરવી રહ્યા છે….’
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘અમે તાજેતરમાં જ સરકરારી એકમોની ટેસ્ટ ફેસિલિટીને પ્રાઈવેટ ડિફેન્સ સેક્ટરને આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે…. ઔપચારિક સરકારી ઓર્ડર પણ જાહેર કરવામાં આવશે, અને આવું કરવાથી ઘણી બધી બાધાઓ દૂર થઈ જશે.