(એજન્સી) તા.ર૩
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય વ્યવસાયિકો માટે ખરાબ સમાચાર છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીયો દ્વારા મોટાપાયે ઉપયોગમાં લેવાતા નિમણૂક-પ્રાયોજિત ૪પ૭ વીઝા કાર્યક્રમને પૂર્ણ કરી દીધો છે. તેના સ્થાને નવો કડક કાર્યક્રમ લાવવામાં આવ્યો છે જેમાં અંગ્રેજી ભાષામાં ઉચ્ચ સ્તરની દક્ષતા અને ઉચ્ચ રોજગાર કુશળતા હોવી જોઈએ. આ વીઝા કાર્યક્રમો ઉપયોગ ૯પ,૦૦૦ વિદેશી કર્મચારીઓ કરી રહ્યા હતા. જેમાં મોટાભાગના ભારતીય હતા. ઉલ્લેખનીય છે કે, ૪પ૭ વીઝા કાર્યક્રમ હેઠળ કંપનીઓ કુશળ રોજગારમાં ચાર વર્ષની સમયમર્યાદા માટે વિદેશી વ્યક્તિને કામ કરવા માટે રાખી શકે છે. કુશળ રોજગારમાં ઓસ્ટ્રેલિયાના કર્મચારીઓની અછત છે. આ શ્રૈણી હેઠળ મોટી સંખ્યામાં વીઝા મેળવનારા ભારતીય હતા. ત્યારબાદ બ્રિટનના ૧૯.પ ટકા અને ચીનના પ.૮ ટકા નાગરિક હતા. આના હેઠળ વીઝા ધારકોને પોતાના નજીકના પરિજન સાથે ઓસ્ટ્રેલિયામાં રહેવાની પરવાનગી હતી. આ વીઝા કાર્યક્રમને કુશળ શ્રમિકોની અછત પૂરી કરવા માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે સરળતાથી મળી જતા હોવાની તેની ટીકા કરવામાં આવી હતી. વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલે ગત વર્ષે એપ્રિલમાં ઘોષણા કરી હતી કે તેમની સરકાર વધતી રોજગારી સમસ્યાનો સામનો કરવા માટે લોકપ્રિય કાર્ય વીઝાને સમાપ્ત કરશે અને તેના સ્થાને નવો કાર્યક્રમ લાવશે.