(એજન્સી) નવી દિલ્હી, તા.૯
દિલ્હી સ્થિત બેલટ્રોક્સ ઈન્ફોટેક સર્વિસિસ દ્વારા યુરોપમાં સરકારી અધિકારીઓ, બહામાસમાં જુગાર મધાંતા, ખાનગી ઈક્વિટી દિગ્ગજ કેકેઆર સહિત અમેરિકામાં જાણીતા રોકાણકારો તેમજ શોર્ટ સેલર મડ્ડી વોટર્સને નિશાન બનાવવામાં આવ્યા હતા, એમ ત્રણ પૂર્વ કર્મચારીઓ, બહારના સંશોધનો અને ઓનલાઈન પુરાવાના અનુસાર જાણવા મળ્યું હતું. આ મામલા સાથે જોડાયેલા પાંચ લોકોએ જણાવ્યું હતું કે, અમેરિકન કાયદા એન્ફોર્સમેન્ટ દ્વારા બેલટ્રોક્સ હેકિંગના હેતુ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ અહેવાલ પ્રસિદ્ધ કરનાર સમાચાર સંસ્થા બેલટ્રોક્સના ગ્રાહકો અંગે કોઈ માહિતી ધરાવતી નથી. ટેલિફોનમાં થયેલી વાતચીતમાં કંપનીના માલિક સુમિત ગુપ્તાએ કોના દ્વારા આ કામગીરી સોંપવામાં આવી હતી તે અંગે કંઈ પણ માહિતી આપવાનો અને આ મામલે અન્ય કોઈ વિગત આપવાનો ઈન્કાર કર્યો હતો. મડ્ડી વોટર્સના સ્થાપક કાર્સન બ્લોકે જણાવ્યું હતું કે તેઓ આ મામલાથી નિરાશ થયા છે પણ તેમને કોઈ આશ્ચર્ય થયું નથી. બેલટ્રોક્સના ગ્રાહક દ્વારા અમને હેકિંગના નિશાન બનાવવામાં આવ્યા હોવાનું સાંભળવા મળ્યું હતું. જ્યારે કેકેઆરએ આ મામલે કોઈપણ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ઈન્ટરનેટ પર સંશોધક વોચડોગ જૂથ સિટિઝન લેબે જણાવ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે આ ઘટના પાછળ બેલટ્રોક્સના કર્મચારીઓ જવાબદાર છે. અત્યાર સુધીનું સામે આવેલું આ સૌથી મોટું ભાડુઆતી જાસૂસી ઓપરેશન છે. સમાચાર સંસ્થાએ જણાવ્યું હતું કે, તેમને પ્રાપ્ત થયેલા આંકડા મુજબ બેલટ્રોક્સે વર્ષ ર૦૧૩થી ર૦ર૦ના વચ્ચે પીડિતોના પાસવર્ડ મેળવવા હજારો સંદેશા તૈયાર કરવામાં આવ્યા હતા. સમાચાર સંસ્થાને નામ નહીં આપવાની શરતે આ આંકડા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ડેટામાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કોને અને કયારે નિશાન બનાવવામાં આવ્યા હતા. પીડિતોને મળેલા ઈ-મેઈલના આધારે સમાચાર સંસ્થાએ આ ડેટાની ખરાઈ કરી હતી. આ ડેટામાં દક્ષિણ આફ્રિકાના જજો, મેક્સિકોના રાજનેતાઓ, ફ્રાન્સના વકીલો અને અમેરિકાના પર્યાવરણ સંગઠનોનો સમાવેશ થાય છે. આ ડઝનબંધ લોકો સહિત બેલટ્રોક્સ દ્વારા હજારો લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હેકિંગના કેટલા પ્રયાસો સફળ થયા હતા તે અંગે કોઈ માહિતી મળી શકી ન હતી. બેલટ્રોક્સના ગુપ્તા સામે વર્ષ ર૦૧પમાં હેકિંગનો કેસ થયો હતો. જેમાં અમેરિકાના બે ખાનગી સંશોધકોએ તેમને માર્કેટિંગ એક્ઝિક્યુટિવની માહિતી આપવાનું કબૂલ્યું હતું. ર૦૧૭માં ગુપ્તાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, અમેરિકાના કાયદા વિભાગે આ કેસની હાલ શું સ્થિતિ છે તે જણાવવાનો ઈન્કાર કર્યો હતો. ગુપ્તાએ પોતાના નવી દિલ્હી ખાતેના નિવાસેથી ટેલિફોનિક વાતચીતમાં હેકિંગના આરોપોને નકાર્યા હતા.