LAC પર કાર્યવાહી કરતાં ભારતીય જવાનોએ મહત્વની બ્લેક ટોપ પોસ્ટ કબજે કરી, ભારતની સીમામાં આવેલા ચીનના કેમેરા અને સર્વેલન્સ ઉપકરણો પણ ઉખેડી ફેંક્યા
ચીનના સૈનિકોએ પેંગોંગ લેક નજીક યથાસ્થિતિ બદલવા માટે સૈન્ય હલચલનો ઉશ્કેરણીજનક પ્રયાસ કર્યો હતો પણ ભારતીય સેના તેમને રોકવામાં સફળ રહી : ૨૯ અને ૩૦ ઓગસ્ટની રાતે જ ભારતે કબજો મેળવી લીધો : ભારત
ભારતના પગલાંએ ચીનના ક્ષેત્રીય સાર્વભૌમત્વનું
ઘોર ઉલ્લંઘન કર્યું, બંને દેશો વચ્ચે પ્રાસંગિક સહમતી, પ્રોટોકોલ અને મહત્ત્વપૂર્ણ સમજૂતીનું પણ ઉલ્લંઘન કર્યું છે : દિલ્હીમાં ચીનનું દૂતાવાસ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ભારતીય જવાનોએ એલએસી પર કાર્યવાહી કરતા વ્યૂગાત્મક રીતે મહત્વની ગણાતી બ્લેક ટોપ પોસ્ટ પર કબજો જમાવ્યો છે. ભારતીય સેનાએ ચીનની સેનાના ષડયંત્રને નિષ્ફળ બનાવતા મોટી સફળતા મેળવી છે. ૨૯-૩૦ ઓગસ્ટની રાતે ચીનની સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેનો જવાબ આપતા ભારતીય સેનાએ બ્લેક ટોપ પોસ્ટ પર કબજો કરવાની સાથે ચીનની સેનાના કેમેરા તથા સર્વેલન્સ ઉપકરણો પણ ઉખેડી ફેંક્યા હતા. ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ચીને ભારતીય સેના પર નજર રાખવા માટે કેમેરા અને સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી હતી. જેના પગલે ભારતીય જવાનોની ફરી અથડામણ થઇ હતી.
દરમિયાન લદ્દાખના પેંગોંગ લેકના દક્ષિણ કિનારા પરના કેટલાક મહત્વના સ્થાનો પર અંકુશ મેળવેલી ભારતીય સેનાએ પ્રાંતના સમગ્ર વિવાદાસ્પદ વિસ્તારો પર પોતાનો કબજો જમાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, સંપૂર્ણ વિવાદાસ્પદ વિસ્તારમાં હવે ભારતીય સેના પહોંચી ગઇ છે અને આનાથી પ્રાંતમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની ભારતની માન્યતાને સંરક્ષિત કરી શકાય છે. ભારતીય સેનાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે, મહત્વના પર્વતીય વિસ્તારોમાં સેનાએ કબજો જમાવવાના પગલાં લીધા છે જેનાથી એલએસી વિસ્તારમાં ચીનની તરફથી ટેન્કો અને સેના સાથેના અતિક્રમણના પ્રયાસો ખાળી શકાય છે. પૂર્વ લદ્દાખમાં તાજેતરની સૈન્ય મંત્રણા દરમિયાન બંને તરફથી વિશ્વાસ મેળવવાના પગલાંની ચર્ચા વખતે જ ૨૯ અને ૩૦મી ઓગસ્ટની રાતે જ આ કામ કરી લેવાયું હતું. આ વિસ્તારોમાં રાત્રી દરમિયાન મોટી સંખ્યામાં સૈન્ય હલચલ કરી શકાતી નથી. ભારતીય સેનાએ જે વિસ્તારમાં કબજો જમાવ્યો છે તેમાં સૌથી મહત્વનું પોઇન્ટ બ્લેક ટોપ છે. ચીનનું પીએલએ ચુશુલ સેક્ટરમાં બ્લેક ટોપ પર કબજો કરવા માગતું હતુંં જેનાથી ભારતીય પોસ્ટ પર નજર રાખી શકાય. આશરે ૫૦૦ પીએલએ જવાન આ ઇરાદા સાથે આવ્યા હતા પરંતુ તેમના ઇરાદાની જાણ થતા ભારતીય જવાનો પણ તૈનાત થઇ ગયા હતા અને ચીનના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા.બ્લેક પોસ્ટ એલએસી પર ભારતના કબજામાં આવે છે. હવે બ્લેક પોસ્ટ પર ભારતે અંકુશ મેળવ્યું છે. સેનાના આ પગલાંથી પેંગોંગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર હવે ભારત વ્યૂહાત્મક રીતે લાભદાયક સ્થિતિમાં છે. ચુશુલના રેજાંગ લા અને રિકિન લામાં સેનાએ વધારાના જવાન તૈનાત કર્યા છે જેનાથી ચીન કોઇ દુસ્સાહસ ના કરે. ભારતે ચુશુલના સ્પાંગર પાસમાં ટી-૯૦ ટેન્કના રેજિમેન્ટની તૈનાતી કરી છે જેનાથી ચીનના કોઇપણ નાપાક ઇરાદાને નિષ્ફળ બનાવી શકાય છે. મંગળવારે સવારે ભારતમાં ચીનના દૂતાવાસે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારતનું પગલું ચીનના આંતરિક સાર્વભૌમત્વનું ભંગ છે સાથે જ ગંભીર રીતે કરારોનું ઉલ્લંઘન કર્યું છે. બંને દેશો વચ્ચે થયેલી સહમતીનું પણ ભારતે ઉલ્લંઘન કર્યું છે. નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે, ભારતની સૈન્ય હલચલે ચીન-ભારત સરહદીય વિસ્તારોની આસપાસ શાંતિ અને પ્રવાહિતાને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું છે.
Recent Comments